6 કરોડના હીરા પકડનાર અધિકારીની તાબડતોબ બદલીમાં હીરા ઉદ્યોગના મોટા માથાનો હાથ હોવાનો આરોપ

કસ્ટમ વિભાગના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ચાલી રહેલા કોલ્ડ વોર તેમજ બદલી પાછળ હીરા પકડાયા બાદ ડાયમંડ લોબીની સક્રિયતાના મુદ્દા પણ ચર્ચાઇ રહ્યા છે. કહેવાય છે કે અગાઉ મીત કાછડિયાના રૂપિયા 200 કરોડથી વધુના કેસમાં પણ એક ડાયમંડ અગ્રણીની મોટી ભૂમિકા રહી હતી.

DIAMOND TIMES : સુરત એરપોર્ટ પરથી રૂપિયા 6 કરોડ રૂપિયાના ડાયમંડ પકડાવાની ઘટના પછી માત્ર આઠ દિવસના ટૂંકાગાળામાં જ ડાયમંડ પકડવાનું સમગ્ર ઓપરેશન પાર પાડનારા અધિકારીની બદલી જામનગર કરી દેવામાં આવતા આ અધિકારીની બદલી પાછલ હીરા ઉદ્યોગના મોટા માથાનો હાથ હોવાના મીડીયા અહેવાલ વહેતા થયા છે.વળી આ કેસમાં પણ અધિકારીઓ ચેક કરી રહ્યા હતા કે આ 6 કરોડના ડાયમંડ કયા ટોપીના હતા.જેથીસમગ્ર કેસને રફેદફે કરી નાખવા અધિકારીની બદલી કરી દેવામાં આવી હોવાની ચર્ચા છે.

મીડીયા અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે કે સુરત એરપોર્ટ પરથી 6 કરોડ રૂપિયાના હીરા પકડનાર અધિકારીની બદલી પછી હવે આ મામલે અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે.વળી અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યુ છે કે અધિકારીની બદલી પ્રકરણમાં કસ્ટમ વિભાગ ના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ચાલી રહેલા કોલ્ડવોરના લીધે આ બદલીઓ થઈ હોવાની પણ ચર્ચા થઈ રહી છે.

સુરત એરપોર્ટ પરથી રૂપિયા 6 કરોડ રૂપિયાના હીરા જપ્ત કરનાર કસ્ટમ વિભાગમાં એડિશનલ કમિશ્નર મનીષ કુમારની બદલી જામનગર કરી દેવામાં આવી છે.જ્યારે મનીષ કુમારના સ્થાને જામનગરથી મહાવિર ચૌહાણને સુરત કસ્ટમ ખાતે નિમણુંક કરવામાં આવી છે. કસ્ટમ અધિકારીના બદલી પ્રકરણમાં ઉલ્લેખનીય છે કે શારજાહથી આવતી ફ્લાઇટમાં આઠ દિવસ અગાઉ 14 લાખનું ગોલ્ડ અને શારજાહ જઇ રહેલા મુસાફર પાસેથી રૂપિયા 6 કરોડના ડાયમંડ પકડાયા હતા.