એબીએન એમરો બેંકે વૈશ્વિક હીરા ઉદ્યોગને ધિરાણ આપતી હોંગકોંગ અને એન્ટવર્પ સ્થિત ડાયમંડ ડિવિઝનને બંધ કરવાની જાહેરાત કરી છે.એબીએન એમરો બેંક ભુતકાળમાં અનેક વિવાદોમાં સપડાઈ ચુકી છે.ભારતીય હીરાના કેટલાક કારોબારીઓને ગેરકાયદે વ્યવહારના આધારે જંગી ધિરાણ આપવામાં મદદ કરવા બદલ વર્ષ 201 5 માં દુબઈની બ્રાન્ચ માં કાર્યરત છ કર્મચારીઓને પાણીચુ પકડાવી દેવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત સંભવિત બ્લડ ડાયમંડના વેપારને રોકવા બેંકના નબળા નિયંત્રણો માટે પણ બેંકને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
DIAMOND TIMES – ડચ અખબાર બિઝનેસ ઇનસાઇડરના જણાવ્યા અનુસાર વૈશ્વિક હીરા ઉદ્યોગમાં પ્રવર્તમાન ઉચ્ચ જોખમને ધ્યાનમાં રાખી વૈશ્વિક હીરા ઉદ્યોગને ધિરાણ આપતા ખાસ ડાયમંડ ડિવિઝનને બંધ કરવાની ડચ બેંક એબીએન એમરો બેંકએ (ABN AMRO) જાહેરાત કરી છે.1990ના દાયકાથી આ ક્ષેત્રમાં કાર્યરત એબીએન એમરો બેંક દ્વારા વૈશ્વિક હીરા ઉદ્યોગને ધિરાણ આપવા માટે સ્પેશિયલ ડાયમંડ ડીવિઝન શરૂ કરવામાં આવ્યુ હતુ. ઉલ્લેખનિય છે કે વૈશ્વિક હીરા ઉદ્યોગને વિશ્વની તમામ બેંકો દ્વારા અપાતા કુલ ધિરાણમાં એકલી એબીએન એમરો બેંકના સ્પેશિયલ ડાયમંડ ડીવિઝનનો ત્રીજા ભાગનો જંગી હિસ્સો હતો.પરંતુ પાછલા કેટલાક વર્ષોથી ડાયમંડ ડીવિઝન દ્વારા વૈશ્વિક હીરા ઉદ્યોગને અપાતા ધિરાણમાં ક્રમશ: ઘટાડો કરી અંતે તેને ડિ-રિસ્કિંગ કરવામાં આવ્યુ છે.બેંક દ્વારા લેવામાં આવેલ આ નિર્ણય હીરા ઉદ્યોગ માટે સમસ્યા સર્જી શકે તેમ જાણકારોનું કહેવુ છે.
હોંગકોંગ અને એન્ટવર્પની બ્રાન્ચ બંધ કરાશે : એબીએન એમરો બેંકના સીઈઓ રોબર્ટ સ્વાકે
ABN AMRO ના CEO રોબર્ટ સ્વાકેને ટાંકીને અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે હીરા ઉદ્યોગમાં અપ્રમાણસર ઉચ્ચ જોખમ ધરાવતી પ્રોફાઇલ છે.તો બીજી તરફ બેંક પાસે પુરતુ નાણા ભંડોળ પણ નથી.જેથી બેંકની કોર્પોરેટ પ્રવૃત્તિઓમાં કાર્યરત કુલ 2500 પૈકી 800 કર્મચારીઓને છુટા કરી હીરા અને તેને સંલગ્ન ચીજવસ્તુઓના વેપારને નાણાં પૂરા પાડતા ડાયમંડ ડીવિઝનને બંધ કરી રહી છે.બેંકે 2018માં તેની દુબઇ ઓફિસ બંધ કરી દીધી હતી.હવે તેમણે હીરા ઉદ્યોગને ધિરાણ આપવા શરૂ કરેલી હોંગકોંગ અને એન્ટવર્પ બ્રાન્ચને પણ બંધ કરવાની જાહેરાત કરી છે.2019માં બેંકે રફ હીરા ના કુલ મૂલ્યના 70 ટકા સુધી આપવામાં આવતા ધિરાણમાં ઘટાડો કરી ધિરાણ મર્યાદા 65 ટકા કરી હતી.જેની પાછળ નો ઇરાદો બેંકને હાઇ રિસ્કથી બચાવવાનો હતો.