ડ
અગર આપ એક બાર ખુદ સે જીત ગયે ના,
તો ફિર યે દુનિયા આપ કો કભી નહીં હરા શકતી!!
DIAMOND TIMES : હિરાને તૈયાર કરવા માટે એકાગ્રતા, સજાગતા, બુદ્ધિમતા, ધીરજ અને ખંતથી કાર્ય કરવાની જરૂરીયાત હોય છે. આમ છતા પણ ક્યારેક માનવિય ભુલ થવાના ચાન્સ રહેતા હોય છે. ખાસ કરીને હીરાને તૈયાર કરવામાં પ્રાથમિક પરંતુ મહત્વનું કાર્ય હીરાના એસોર્ટમેન્ટનું છે. કારણ કે આ કાર્યની સચોટતા પર જ હીરાના કારોબારમાં નફા-નુકશાનનો આધાર રહેતો હોય છે. જેથી આ કાર્યમાં તો માનવિય ભુલને લેશમાત્ર અવકાશ નથી. સાદી ભાષામાં કહીએ તો હીરાનું એસોર્ટમેન્ટ એટલે હીરાનું વર્ગીકરણ કરવુ. તૈયાર હીરા કે રફ હીરામાં દરેક ઝીણવટ ભર્યા પાસાની ચકાસણી કરી ત્યારબાદ જોઈ વિચારીને સમજીને હીરાનું એસોર્ટમેન્ટ કાર્ય થાય છે.
જેથી અત્યંત કાળજી પુર્વક કરવામાં આવતા હીરાના પેકેટનું એસોર્ટનું કાર્ય ઘણી વખત કંટાળા જનક બની જતુ હોય છે. પરિણામે આ ક્ષેત્રમાં કુશળ કર્મચારીઓની હંમેશા તંગી રહેતી હોય છે. આ ઉપરાંત આ ક્ષેત્રમાં કામ કરતા કોઈ કર્મચારી જો ગેરહાજર રહે ત્યારે હીરાને તૈયાર કરવાની આગળની પ્રોસેસનું કામ અટકી જાય છે.
જેના કારણે સમયસર ઓર્ડર પુરા નહી કરી શકવાના દબાણ અને ચિંતાની સાથે નુકશાની ભોગવવાનો પણ વારો આવે છે. આપણામાં એક કહેવત છે કે ‘નેસેસિટી ઈઝ ધ મધર ઓફ ઈન્વેન્શન’, અર્થાત કે જરૂરીયાત નવા શોધ-સંશોધનની જનની છે. હીરાના પેકેટ એસોર્ટિંગ કાર્યમાં પડતી મુશ્કેલી અને વિવિધ સમસ્યાઓના નિવારણ માટે 1.5 વર્ષની સખત મહેનત પછી ઈન હાઊસ રિચર્સ એન્ડ ડેવલોપમેન્ટ થકી સુરતનાં બે યુવાનો કુલદીપ ડાભી (Kuldeep Dabhi) અને ભદ્રેશ ગોધાણી (Bhadresh Godhani) ને આ ક્ષેત્રે ઝળહળતી સફળતા મળી છે.
1.5 વર્ષ સુધી અનેક નિષ્ફળ પ્રોટોટાઈપ બનાવ્યા પછી પણ હાર્યા કે થાક્યા વગર સખત મહેનત અને અવિરત પ્રયત્નો પછી કુલદીપ ડાભી (Kuldeep Dabhi) અને ભદ્રેશ ગોધાણી (Bhadresh Godhani) નામના બે તરવરીયા યુવાનોએ હીરા ઉદ્યોગમાં ક્રાતિ આવે તેવા ઓટો-એસોર્ટ રોબોટ તૈયાર કર્યો છે. AI બેઈઝડ ક્રાંતિકારી ઓટોમેટીક રોબોટ મશીને હીરાના પેકેટ એસોર્ટિંગ કાર્યની સમગ્ર પ્રક્રિયાને અત્યંત સરળ કરી દીધી છે.
હીરા ઉદ્યોગને ક્રાંતિકારી અને અનુપમ ભેટ આપવા સંકલ્પબધ્ધ યુવાન કુલદીપ ડાભી (Kuldeep Dabhi) નો પરિવાર હીરાઉદ્યોગ સાથે સંકળાયેલ છે
હીરા ઉદ્યોગને ક્રાંતિકારી અને અનુપમ ભેટ આપવા સંકલ્પબધ્ધ યુવાન કુલદીપ ડાભી (Kuldeep Dabhi) નો સમગ્ર પરિવાર હીરાઉદ્યોગ સાથે સંકળાયેલ છે. કુલદીપે એન્જીનિયરીંગનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી 2 વર્ષ સુધી હીરા ઉદ્યોગ માટે મશીનરી બનાવતી ઈઝરાયેલ સ્થિત એક અગ્રણી ટેકનોલોજી કંપનીમાં માર્કેટિંગ એક્ઝીક્યુટીવ તરીકે નોકરી કરી વિશાળ અનુભવ મેળવ્યો છે. ત્યારબાદ હીરા ઉદ્યોગમાં પોતાનું કંઈક યોગદાન આપવાના મજબુત ઇરાદા સાથે અન્ય એક નવયુવાન એન્જીનીયર ભદ્રેશ ગોધાણી (Bhadresh Godhani) સાથે AUTOBOT નામની એક ઓટોમેશન ફર્મની સ્થાપના કરી. આ દરમિયાન રમેશભાઈ માંગુકિયા અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ વિવિધ અગ્રણીઓ સાથે મુલાકાત કરી હીરા ઉદ્યોગની મુખ્ય જરૂરીયાત અંગે માહિતી મેળવવા પ્રયાસ કર્યા.
દરમિયાન તેઓને જાણવા મળ્યું કે, 4P અને પોલિશ્ડ સિંગલ પેકેટ ડાયમંડના એસોર્ટમાં કારોબારીઓને ઘણી જ મુશ્કેલી આવી રહી છે. આ સમસ્યાને નિવારવા આ યુવાઓ દ્વારા AI બેઈઝડ ક્રાંતિકારી ઓટો એસોર્ટ રોબોટની શોધ કરવામાં આવી છે.
આ વીડિયોમાં નિહાળો રોબોટની અદ્દભુત કામગીરી
12 કલાકમાં 5000 હીરા પેકેટ એસોર્ટ કરવાની ઓટો એસોર્ટ રોબોટની ક્ષમતા
12 કલાકમાં 5000 હીરા પેકેટ એસોર્ટ કરવાની ઓટો એસોર્ટ રોબોટની ક્ષમતા છે.ઓટો એસોર્ટ રોબોટમાં એક સાથે 250 ડાયમંડ પેકટ લોડ કર્યા બાદ ઓટોમેટીક QR કોડ સ્કેનની મદદથી તેને એસોર્ટ કરી શકાય છે. આ રોબોટ મશીનની મદદથી લેસર સોઈંગમાં મોકલતા પહેલા ડાયમંડ પેકેટને ટોપ વાઈઝ એસોર્ટ કરી શકાય છે.4P અને પોલિશ્ડ માટે જુદીજુદી સાઈઝ, પ્યોરીટી, વજન તેમજ બીજા ઘણા પેરામીટર મુજબ હીરાના પેકેટને એસોર્ટ કરી શકાય છે. વળી 4 થી 5 રોબોટ મશીન માત્ર એક વ્યક્તિ આસાનીથી ચલાવી શકે છે.
હીરાઉધોગમાં પેકેટ એસોર્ટનું કામ અત્યાર સુધી મેન્યુઅલ રીતે થતું હતું. ત્યાં હવે એક નવા ઓંટોમેશનની શરૂઆત થઈ ચુકી છે. આ યુવાનો આટલેથી જ અટકી જવાના બદલે આગામી સમયમાં હજુ પણ હીરા ઉદ્યોગને અનેક નવા ઓટોમેશન આપવાના સંકલ્પ સાથે તે દિશામાં કામ કરી રહ્યા છે. હાલમાં આ રોબોટ રમેશભાઈ માંગુકિયા (માંગુકિયા એમ્પાયર), સંજયભાઈ વઘાસીયા (મારુતિ ડીઆમ), મનીષભાઈ જીવાણી (શ્રી ક્રિષ્ના ડીઆમ), મનોજભાઈ બોરડા (અંજલી ડીઆમ), મહેશભાઈ માંગુકીયા (મારુતિ જેમ્સ ) તેમજ અન્ય હીરાના મેન્યુફેક્ચરિંગ યુનિટમાં સફળતા પૂર્વક કાર્ય કરી રહ્યાં છે. AI બેઈઝડ ક્રાંતિકારી ઓટોમેટીક મશીનના આવિષ્કાર અને તેની કામકરવાની પધ્ધતિ સહીત અન્ય ઝીણવટ ભરી માહિતી ડાયમંડ ટાઈમ્સના વાંચકોને મળી રહે તે શોધકર્તા કુલદીપ ડાભી (Kuldeep Dabhi) અને ભદ્રેશ ગોધાણી (Bhadresh Godhani) સાથે કરેલી વાતચીતના મુખ્ય અંશો આ મુજબ છે.
તમારું ફિલ્ડ છોડીને હીરા ઉદ્યોગમાં યોગદાન આપવાની દિલમાં મહેચ્છા જગાવનાર કોઇ ખાસ ઘટના કે પ્રસંગ ?
ગ્રેજ્યુએશન પછી અમે અમારા બીજા ફિલ્ડમાં કામ કરતા હતા. પણ અમારા વડીલો અને મૂળ કુટુંબ તો ડાયમંડ ફીલ્ડમાં જ કાર્યરત છે. વળી ડગલે અને પગલે અમને અનુભવ થતો કે ડાયમંડ ઇન્ડસ્ટ્રી એક એવી ઇન્ડસ્ટ્રીઝ છે કે એમાં માત્ર અનુભવી વ્યક્તિ જ કઈ સારું કરી શકે છે. આ પરંપરાને તોડી આજનો ઉત્સાહી, ટેકનોસેવી અને શિક્ષિત યુવાન ધારે તો હીરા ઉદ્યોગને ઘણું આપી શકે એવી અમારી માન્યતા હતી. બીજી તરફ અત્યારના આધુનિક સમયમાં પણ હીરાને તૈયાર કરવા માટે હીરાના પેકેટના એસોર્ટિંગ કાર્ય સહિત અન્ય પણ કેટલીક મહત્વપુર્ણ કામગીરી મેન્યુઅલ રીતે થઈ રહી છે. જે અમારા દીલમાં સતત ખટકતી હતી. વળી અમોને ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમેશન ફિલ્ડમાં ઘણો સ્કોપ દેખાતો હતો. તમે એબ્રોડ કન્ટ્રીઝમાં જોશો તો ત્યાં ભારતની તુલનાએ ઓટોમેશન ઘણું જોવા મળશે. તેનાથી અમોને આ રોબોટ બનાવવાની પ્રેરણા મળી.
ઘણી નિષ્ફળતાઓ પછી મેળવેલી સફળતાનો આનંદ કેવો રહ્યો ?
આ પ્રોડક્ટમાં જ અનેક નિષ્ફળ મોડલ બનાવ્યા પછી વર્ષોની સખત મહેનત પછી અમે એક ફાઇનલ પ્રોડક્ટ બનાવી છે, જે અત્યંત ગુણવત્તા પુર્વક પોતાની સંતોષકારક કામગીરી કરી રહ્યું છે. આમ છતા હજુ પણ અમારે આ ફિલ્ડમાં ઘણું નવું કરવાનું બાકી છે.જ્યારે અમે આ રોબોટ બનાવવાની શરૂઆત કરી ત્યારે અમે આ પ્રોડક્ટ કઈ રીતે બનાવશું ? કઈ રીતે સકસેસ જઇશું ? આવા અનેક સવાલો અમારા મગજમાં ઉઠતા હતા.પરંતુ અમે સફળતાના આ સ્ટેપ સુધી પહોચવા મક્કમ અને સંકલ્પબધ્ધ હતા. જેથી આ સફળતાનો અમને સવિશેષ આનંદ છે અને હજુ પણ અમારે આ ફિલ્ડમાં આગળ ઘણું કરવાનું બાકી છે.
આપ બંને નવયુવાનોએ AI બેઈઝડ આ ક્રાંતિકારી ઓટોમેટીક રોબોટની આપેલી ભેટનો હીરા ઉદ્યોગ તરફથી પ્રતિસાદ કેવો છે?
જ્યારે અમે આ પ્રોડક્ટ માટે હીરા ઉદ્યોગના વિવિધ અગ્રણીઓની મુલાકાત લેવાની શરૂઆત કરી ત્યારે અમે અવલોકન કર્યુ કે તમામ લોકોએ આ રોબોટ મશીનની કાર્યપ્રણાલી અંગે જાણવા ભારે ઉત્સાહ દાખવ્યો હતો. આ મશીનની કામગીરીથી પ્રભાવિત થયા પછી અનેક અગ્રણીઓ -કારોબારીઓએ હીરાને તૈયાર કરવાના વિવિધ તબક્કાને આસાન બનાવવા અમારી પાસે નવી રિક્વાયરમેન્ટ પણ કરી છે.જેના પરથી સાબિત થાય છે કે હીરા ઉદ્યોગે અમારા કામ અને AI બેઈઝડ આ ક્રાંતિકારી ઓટોમેટીક રોબોટ પર ભરપુર વિશ્વાસ દાખવ્યો છે. જેનાથી અમારા ઉત્સાહમાં અનેક ગણો વધારો થયો છે.
રોબોટની કાર્ય પદ્ધતિ વિશે જણાવો, રોબોટને કઈ રીતે ઓપરેટ કરી શકાય છે ?
AI બેઈઝડ આ ક્રાંતિકારી ઓટોમેટીક રોબોટ હાર્ડવેર અને સોફ્ટવેરના સંકલનથી કાર્ય કરે છે. એક વખત રોબોટના પેકેટ હોલ્ડરમાં અંદાજે 250 પેકેટ લોડ કર્યા બાદ સ્ટાર્ટ બટન પ્રેસ કરવાથી રોબોટ વેક્યુમથી પેકેટ ઉપાડે છે અને સાથે સાથે QR સ્કેન કરીને પેકેટને અલગ અલગ પેરામીટર જેવા કે સાઈઝ, પ્યોરીટી, ડાયામીટર, કલર તથા અન્ય પેરામીટર મુજબ એક અથવા તો વધારે પેરામીટરના કોમ્બીનેશન મુજબ પેકેટનું એસોર્ટ કરી આપે છે. આ રોબોટ ને ચલાવવો અત્યંત આસાન છે. હીરા અંગે લેશ માત્ર પણ નોલેજ નહી ધરાવતા સામાન્ય વ્યક્તિ પણ માત્ર 15 થી 20 મિનિટની ટ્રેનિંગમાં આ મશીન આસાનાથી ઓપરેટ કરી શકે છે.
હવે આગળનું આપનું આયોજન અને નેક્સ્ટ સ્ટેપ શુ છે ?
વર્તમાન સમયે હીરાના પેકેટ પર જે પ્રિન્ટ લગાવવાની હોય છે. તે અત્યારે થર્મલ પ્રિન્ટ સ્ટીકર પર પ્રિન્ટ કરીને પેકેટ પર ચિપકાવવામાં આવે છે. હવે પછીના નેક્સ્ટ સ્ટેપમાં અમો એ વિચાર્યું છે કે હવે આ રોબોટની મદદથી ઓટોમેટિક રીતે પેકેટ ઉપર ડાયરેક્ટ પ્રિન્ટ થઈ જાય. જેનાથી થર્મલ પ્રિન્ટ સ્ટીકર અને તેને લગાવવાની મહેનત બચી જાય. બીજું આજ રોબોટથી અલગ અલગ ડિપાર્ટમેન્ટની ઈસ્યુ રિટર્નની પ્રોસેસ ઓટોમેટીક કરવા માંગીએ છીએ.
આપના ફેમિલી બેકગ્રાઉન્ડ અને આપની સફળતા બાબત પ્રતિભાવ જણાવો
ફેમિલી બેકગ્રાઉન્ડ જણાવીએ તો અમારા બંનેના ફાધર ડાયમંડ ફિલ્ડ સાથે સંકળાયેલા છે અને મમ્મી ગૃહિણી છે. અમે બંને મિત્રોએ મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. કુલદીપ સેલ્સ એન્ડ સપોર્ટની કામગીરી સંભાળે છે તો ભદ્રેશ આર એન્ડ ડી, ડેવલોપમેન્ટ એન્ડ ટેકનિકલ સાઈડ સંભાળે છે. ફેમીલીના લોકો અમારી સફળતાથી ખુબ ખુશ છે કેમકે અથાગ મહેનત પછી અમો કંઈક નવું બનાવી શક્યા છીએ. પરિવારના તમામ સદસ્યો તરફથી અમને ભરપુર સપોર્ટ મળ્યો છે.