ડોલરનો વિકલ્પ શોધવાની કવાયત પછી વૈશ્વિક ટ્રેડમાં ડોલરનું ચલણ ઘટશે

59

DIAMOND TIMES : અમેરિકાની કેટલીક નીતિઓના કારણે જ ભારત સહિતના અનેક દેશોએ ડોલરનો ઉપયોગ ઓછો કરવાની રણનીતિ અપનાવી છે. અમેરિકાએ યુરોપની સાથે મળીને ગ્લોબલ ફાઇનાન્શિયલ મેસેજિંગ સિસ્ટમ સ્વિફ્ટને રશિયાથી અલગ કરી છે. કેટલાક દેશો અને કોર્પોરેટ જગત તેને નાણાકીય પરમાણુ હથિયાર તરીકે જુએ છે. જેને કારણે તેના વિરોધમાં અન્ય કરન્સીનો વિકલ્પ અપનાવાઇ રહ્યો છે. આમ પણ રશિયા સાથે અચાનક દરેક પ્રકારના વ્યાપારિક સંબંધોનો અંત લાવવો તે યુરોપ માટે પણ અવ્યાવહારિક છે.

છેલ્લા કેટલાક સમયથી માર્કેટમાં અન્ય કરન્સી સામે ડોલરનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. પરંતુ હવે ટૂંક સમયમાં ડોલરનો દબદબો ઘટે તેવી શક્યતા છે. દુનિયાની કેટલીક મોટી અર્થવ્યવસ્થાઓ હવે આંતરરાષ્ટ્રીય કારોબારમાં અમેરિકન કરન્સીના ઉપયોગનો વિકલ્પ શોધી રહી છે. રશિયા, ચીન, ભારત અને UAE જેવા દેશો તેમાં સામેલ છે.

તદુપરાંત બાંગ્લાદેશ જેવા અન્ય ડઝનથી પણ વધુ એશિયન દેશો પણ ડોલરના સ્થાને સ્થાનિક ચલણનો કારોબારમાં ઉપયોગ કરવાનો પ્રયોગ કરી રહ્યાં છે. બીજી તરફ ડોલરની મજબૂતિને કોર્પોરેટ જગત પણ પડકારી રહ્યું છે. દુનિયાભરની કંપનીઓ લોનનો મોટો હિસ્સો સ્થાનિક કરન્સીમાં ચૂકવી રહી છે.

રશિયા અને ચીન પહેલાથી જ આંતરરાષ્ટ્રીય ચૂકવણી માટે સ્થાનિક ચલણના ઉપયોગને પ્રોત્સાહિત કરી રહ્યાં છે. આ બંને દેશો તેના માટે બ્લોકચેન ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યાં છે. હવે બાંગ્લાદેશ, કઝાકિસ્તાન પણ યુઆનના ઉપયોગને વધારવા માટે ચીનની સાથે વાતચીત કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ઓળખ સ્થાપિત કરવા માટે પ્રયાસરત છે.