ગણેશ સ્થાપના, સહસ્ર દીવડાની મહાઆરતી પછી SDBનો ઝળહળાટ વધ્યો

સફર સાહિલો કા ઇતના આસા નહિ હોતા,
વકત – બેવક્ત તુફાં ભી આતે હૈ કશતીયા દેખને
સુરતને વૈશ્વિક ઓળખ આપતું ડાયમંડ બુર્સનું સપનું થયું સાકાર

DIAMOND TIMES : વિશ્વની અજાયબી ગણી શકાય એવું 21 મી સદીનું અદ્યતન- નવીનતમ ડાયમંડ બિઝનેસ સેન્ટર એવું દુનિયાનું સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ સુરત ડાયમંડ બુર્સ ખૂબ ટૂંકા ગાળામાં તૈયાર થઇ ગયું છે.સુરત ખજોદ ખાતેના સપના સમાન આ પ્રોજેકટ પર હિરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વિશ્વના તમામ સભ્યોની નજર હતી.અહીં મુંબઈના ભારત ડાયમંડ બુર્સ કરતા ચાર ગણી મોટી ઓફિસો તૈયાર કરવામાં આવી છે.કહેવાય છે કે સુરત ડાયમંડ બુર્સ હવે તૈયાર થયા બાદ આવનારા દિવસોમાં સુરતમાં બે લાખ કરોડનો વેપાર થઈ શકશે.

તાજી-શુદ્ધ હવા માટે દરેક માળ પર બનાવાયું વર્ટિકલ ગાર્ડન

ડાયમંડ બુર્સમાં 7 કરોડના ખર્ચે 13 એકરમાં 56 હજાર છોડનું પ્લાન્ટેશન કરાશે.નોંધનિય છે કે બુર્સમાં 300, 500 અને 1000 ફૂટની 4200 ઓફિસો છે.એટલે એક સાથે અહીં દોઢ લાખ લોકો કામ કરી શકે તેવી વ્યવસ્થા છે.આટલી મોટી સંખ્યામાં લોકો કામ કરતા હોય ત્યારે તેમને શુદ્ધ હવા મળી શકે તે માટે દરેક માળ પર સ્પાઇનમાં વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવ્યું છે.જેમાં ઇન્ડોર પ્લાન્ટ મુકવામાં આવશે,જે હવાને શુદ્ધ કરશે.અહીં દરેક બે બિલ્ડિંગ વચ્ચે ગાર્ડન બનાવાયા છે. ગાર્ડનમાં પંચતત્વ થીમ પર સ્કલ્પચર મુકાયા છે.ગાર્ડનમાં વિવિધતા લાવવા ચેન્નાઈ, આંધ્રપ્રદેશ, કોલકાતા, દિલ્હી, ઉત્તરપ્રદેશ અને નવસારી એમ અલગ અલગ રાજ્યોમાંથી છોડ મંગાવવામાં આવ્યા છે.સુરત ડાયમંડ બુર્સ સંપૂર્ણપણે ગ્રીન બિલ્ડીંગ કન્સેપ્ટથી બનાવવામાં આવ્યું હોવાથી ત્યાં ગણેશ સ્થાપના પણ વિશ્વ પર્યાવરણના દિવસે કરવામાં આવી હતી.

વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના અને સહસ્ત્ર દિવડાની આરતી

ભગવાન ગણેશ વિઘ્નહર્તા દેવ છે,એટલે જે કોઈ શુભ,પવિત્ર કે દિવ્ય કામ તેમની આરાધના સાથે પ્રારંભ કરાઈ છે.આ પરંપરા મુજબ સુરત ડાયમંડ બુર્સમાં પ્રથમ ગણેશજીની એક વિશાળ મૂર્તિનું બુર્સના કેમ્પસમાં સ્થાપન કરાયું હતું.ત્યારબાદ દુંદાળાદેવની પૂજા બાદ 4200 મેમ્બર્સ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.હીરા બુર્સમાં ઓફિસ ધરાવતા સુરત-મુંબઈ સહિતના હીરા વેપારીઓને બ્રાહ્મણોએ કંકુ તિલક કરી આવકાર અપાયો હતો.ત્યારબાદ સહુ એક સાથે મહાઆરતીમાં જોડાયા હતા.જ્યારે આ સહસ્ર દીવડાની આરતી થઈ ત્યારે રાતના સમયે પણ પ્રકાશમય અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.બુર્સ દ્વારા સભ્યો માટે આયોજિત કરાયેલો ગણેશ પૂજનનો આ પહેલો જ કાર્યક્રમ હતો.જેમા 12 હજારથી વધુ લોકોએ ઉપસ્થિત રહીને આરતી કરી હતી.અને સમુહ ભોજન લીધું હતું.

2700 લોકોના વિરોધ સામે પણ અમે હાર્યા નહીં : વલ્લભભાઈ લાખાણી

ડાયમંડ બુર્સમાં ગણેશ સ્થાપના અને મહાઆરતી પ્રસંગે વલ્લભભાઈ લાખાણી (કિરણ જેમ્સ)એ પ્રથમ વખત હૃદયસ્પર્શી વાત કરી હતી.4200 વેપારીઓને આવકારવા તેમણે જ્યારે મંચ પરથી વાતની શરૂઆત કરી ત્યારે લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.તેમણે વાતની શરૂઆત કરતાં કહ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના સી.એમ. હતા ત્યારે એમનું સપનું હતું કે ડાયમંડ હબ ગુજરાતમાં બને.આજે એમનું એ સપનું પૂરું થયુ છે.
2014ના વર્ષમાં સમાજની ચિંતા કરનાર સૌ મિત્રો જ્યારે ભેગા થયા હતા ત્યારે વિચાર્યું કે મુંબઇમાં પાર્લાથી મુંબઇ હીરા બુર્સ સુધી આવતા 7 કિલોમીટરમાં 1 કલાક જેટલો સમય લાગે છે.લોકોને અલગ અલગ જગ્યાએથી ત્યાં પહોંચતા ખૂબ તકલીફ પડે છે.એટલે મિત્રોએ સુરતમાં ડાયમંડ બુર્સ બનાવવાનો વિચાર રજુ કર્યો

આ મુદ્દે ફેમિલી સાથે ચર્ચા કરી તો તેમણે આ માટે ના પાડી હતી,પરંતુ પછી તેઓ માની ગયા.એ સમયે મે લોકો સમક્ષ જે નિર્ણય જાહેર કર્યો હતો એ મુજબ ડાયમંડ બુર્સનું કામ પૂર્ણ થતાં હવે અમારી મુંબઈ ઓફિસને તાળું મારીને સુરત ડાયમંડ બુર્સમાં કામ શરૂ કરીશું.ડાયમંડ બુર્સનું નિર્માણ કાર્ય શરૂ થયું ત્યારથી લઈને અત્યાર સુધી અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો.જેનો તેમણે ચિતાર વેપારીઓ સમક્ષ રજૂ કર્યો હતો.

એક સમયે એવી પણ અફવા ઉડી હતી કે ડાયમંડ બુર્સ કોઈ સંજોગોમાં શરૂ થશે નહીં.જેના કારણે ઓફિસો બુક કરાવનારા વ્યક્તિઓએ હપ્તા ભરવાનું બંધ કરી દીધુ હતુ.પરિણામે જમીનના હપ્તા સમયસર નહી ભરાતા સરકારમાં 48 કરોડનું વ્યાજ ભરવાનું થયું હતું. જો કે આ વ્યાજ ડાયમંડ બુર્સ કમિટીએ સરકારને રજુઆત કરીને માફ કરાવ્યુ હતું.

વિવિધ પરવાનગીઓ માટે 15 વખત ગાંધીનગર અને 8 વાર તો દિલ્હી ગયા.નિર્માણ કાર્ય માટે 4 થી 5 કલાકની 500 થી વધુ મિટિંગો કરી.700 કરોડના ખર્ચ કરી 7 માળ સુધી કામ પૂર્ણ કર્યુ અને કામ બંધ કરવા 2700 લોકોએ કલેકટરમાં અરજી કરી.પરંતુ એની સામે પણ અમારી ટીમે હાર સ્વીકારી નહિ અને આ કામને સર્વ શ્રેષ્ઠ રીતે પૂર્ણ કર્યું અને થોડા સમય બાદ અહીં બુર્સમાં સૌથી પહેલી ઓફિસ હું શરૂ કરીશ.

નજીકના દિવસોમાં વિશ્વભરના હીરાના વેપારીઓ સુરત આવતા થશે

હીરા બુર્સના ડિરેકટર શ્રી ગોવિંદકાકા ધોળકિયા (SRK ગ્રુપ) એ ડાયમન્ડ બુર્સ ગણેશ સ્થાપના અને મહાઆરતી શુભ પ્રસંગે જણાવ્યું કે, આજે ઇતિહાસ રચાયો છે. વલ્લભભાઈ લાખાણી તેમના જીવનમાં પહેલી વખત જાહેર મંચ પરથી બોલ્યા છે. ત્યારે SRK ગ્રુપ તરફથી હું વચન આપું છું કે, ડાયમન્ડ બુર્સ શરૂ થાય ત્યારે SRK ગ્રુપ બુર્સમાં પોતાનું કાર્ય શરૂ કરશે. બુર્સના બીજા ડિરેકટર પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ ઉપસ્થિત સૌને પ્રશ્ન કર્યો કે ડાયમન્ડ બુર્સ જોઈને સૌને વિશ્વની અજાયબીનો અનુભવ થયો ને? જેનો ઉપસ્થિત સૌએ હકારમાં જવાબ આપ્યો હતો. તેમણે ખુલ્લા મનથી જણાવ્યુ કે, બુર્સનું 7 માળ સુધી બાંધકામ થઈ ગયું ત્યાં સુધી પર્યાવરણની મંજૂરી નહોતી લેવાઈ. બુર્સના વિરોધ અરજી અંગે જ્યારે તેના હિયરીંગમાં સતત હાજરી આપી પણ હદયથી નીકળેલો વિચાર અંતે સફળતા તરફ લઈ ગયો અને કેટલાય પડાવમાંથી ઉગરીને બહાર આવ્યા. આજે આ પ્રસંગે અમારા 4,200 જેટલા પરિવારના 12,000 લોકો ઉપસ્થિત રહ્યા છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અહીં ગણેશ સ્થાપનાની સાથે મહાઆરતી કરવામાં આવી છે.જેનો ઉદ્દેશ છે કે વિશ્વભરનો હીરા અને ઝવેરાતનો બિઝનેસ સુરતમાંથી થાય.

ભારત સરકારે 12,000 કરોડ રૂપિયાના ખર્ચે સુરતમાં મેટ્રોનું કામ ચાલુ કર્યું છે.તેમાં એક રૂટનું નામ ડાયમંડ રૂટ આપવામાં આવ્યું છે. જે કામરેજ થી વરાછા થઈ ખજોદ ડાયમંડ બૂર્સ દરમિયાન દોડશે.આ માટે સરકારનો બુર્સ કમિટી દ્વારા આભાર મનાયો હતો.કેમકે આના કારણે વિશ્વભરમાંથી બાયર્સ સુરતની ધરતી ઉપર ઉતરી પડશે. દિવાળી પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ડાયમંડ બૂર્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે.