DIAMOND TIMES : સીલીકોન વેલી બેંકના થાપણદારોને નાણાની ચિંતા થઈ રહી છે ત્યાં વધુ એક બેંક મુશ્કેલીમાં ,ફેડરલ ડિપોઝીટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશને પ્રમાણમાં નાની ગણાતી બેંકનો કબ્જો લીધો, હજુ વધુ બેંકો કાચી પડવાનો ભય
અમેરિકામાં સીલીકોન વેલી બેંક ગત સપ્તાહે કાચી પડયા બાદ જે રીતે અમેરિકન બેંકીંગ ક્ષેત્રમાં ભય સેવાતો હતો તેમ વધુ એક અમેરિકી બેંક નબળી જાહેર થઈ છે. 10.36 બિલિયન ડોલરની એસેટસ તથા 88.59 બિલિયન ડોલરની ડિપોઝીટ ધરાવતી સીગ્નેચર બેંક કાચી પડતા તેનો કન્ટ્રોલ ફેડરલ ડિપોઝીટ ઈન્સ્યુરન્સ કોર્પોરેશને લઈ લીધો છે અને તેના તમામ થાપણદારોને નાણા પરત આપશે તેવી ખાતરી આપી છે.
ન્યુયોર્ક સ્થિત સિગ્નેચર બેંકને ગઈકાલે જ બંધ કરી દેવાઈ હતી. વોશિંગ્ટન મ્યુચ્યુઅલ અને સીલીકોન વેલી બેંક બાદ ત્રીજી મોટી બેંક બંધ કરવાની ફરજ પડી છે. ફેડરલ ડિપોઝીટ ઈુસ્યોરન્સ કોર્પોરેશન દ્વારા જાહેર કરાયું છે કે બેંક બંધ થવાથી કરદાતાઓ પર કોઈ બોજો આવશે નહી.
હજુ અમેરિકી ફેડે ગઈકાલે જ સીલીકોન વેલી બેંકના થાપણદારોને નાણા પરત મળે તે માટે યોજના તૈયાર કરી છે અને ત્યાં જ સીગ્નેચર બેંકના ખબર આવતા જ હવે અન્ય બેંકો પર પણ જોખમ વધી રહ્યું છે.
સિગ્નેચર બેંક ન્યુયોર્ક ઉપરાંત કેલિફોર્નિયા, નેવેડા તથા નોર્થકોરોલીના સહિત નવ બીઝનેસ સેન્ટર ધરાવે છે અને હવે તેમાં થાપણદારોને નાણા પરત મળવા અંગે પણ પ્રશ્ન સર્જાશે.