21 વર્ષ પછી ખોવાયેલી એન્ગેજમેન્ટ રિંગ એવી જગ્યાએથી મળી કે વિશ્વાસ ન થાય, પતિ-પત્નીની આંખમાં આવ્યા હર્ષના આંસુ

DIAMOND TIMES : 21 વર્ષ પછી એક મહિલાને તેણીની ખોવાયેલી સૌથી કિંમતી વસ્તુઓ મળી અને તેણીની ખુશીનો કોઈ પાર ન રહ્યો. મહિલાની આંખમાં આંસુ આવી ગયા. રસપ્રદ વાત એ છે કે આ વસ્તુ તેના ટોયલેટમાં જ પડી હતી. તે વર્ષોથી આની શોધમાં હતી. પરંતુ તેને સફળતા મળતી ન હતી.

એક અહેવાલ અનુસાર, આ મામલો અમેરિકાના ફ્લોરિડાનો છે, જ્યાં લગ્ન પહેલા જ શાઇના ડે નામની મહિલાની હીરાની વીંટી ક્યાંક ગુમ થઈ ગઈ હતી. તેણે લાખો પ્રયત્ન કર્યા પણ વીંટી ક્યાંય મળી ન હતી. શાઈનાને ડર હતો કે તે ટોયલેટ ફ્લશમાં ધોવાઈ ગઈ હશે. તેથી થોડા સમય પછી તેણે તેને શોધવાનું બંધ કરી દીધું.

પરંતુ હવે 21 વર્ષ બાદ શાઈનાને તેની ખોવાયેલી વીંટી મળી ગઈ છે. તે તેની એન્ગેજમેન્ટ રિંગ હતી જે લગ્ન પહેલા જ ગુમ થઈ ગઈ હતી. હાલમાં જ શાઈનાના ઘરના ટોયલેટમાંથી વીંટી મળી આવી હતી. આ જાણીને તેણીને નવાઈ લાગી. આ વીંટી સાથે તેની યાદો જોડાયેલી હતી. આ રિંગ ખૂબ મોંઘી પણ હતી.

શાઈનાની સાસુ રેની ટોયલેટ સીટ બદલાવી રહી હતી. એ સમયે તેને હીરાની વીંટી મળી આવી હતી. જ્યારે તેણે ક્રિસમસ પર શાઈનાને આ વીંટી વિશે જણાવ્યું તે તો ચોંકી ઉઠી. શાઇના અને તેના પતિ તેમની એન્ગેજમેન્ટ રિંગ જોઈને ભાવુક થઈ ગયા હતા.

શાઈનાએ કહ્યું કે અમે સેપ્ટિક ટાંકીથી લઇને ઘરના દરેક ખૂણામાં શોધખોળ કરી હતી પરંતુ રિંગ ક્યાંય મળી ન હતી. આ રિંગ શૌચાલયમાં જ પડેલી હશે તેવી અપેક્ષા નહોતી. રિંગ મળ્યા બાદ શાઈનાની આંખોમાં હર્ષના આંસુ જોઇ શકાતા હતા.