મુંબઈમાં કૌભાંડના થયેલા પર્દાફાશમાં બહાર આવેલી વિગત મુજબ જાણીતા 10 જવેલર્સના દાગીના પર નકલી હોલમાર્ક લાગતા હતા,દેશભરમાં સપ્લાય થનાર આભુષણો ખરીદનાર ગ્રાહકને 10 ગ્રામે 15000 નું નુકશાન થાય તેવી ઓછી ગુણવત્તા ધરાવતા હતા, BIS દ્વારા શ્રેણીબદ્ધ દરોડાની કાર્યવાહી હાથ ધરી નકલી હોલમાર્ક ધરાવતાં દાગીનાં જપ્ત કરાયા…
DIAMOND TIMES-દેશના 256 જિલ્લામાં ગોલ્ડ જ્વેલરી અને કલાકૃતિઓ પર અનિવાર્ય હોલમાર્કિંગની વ્યવસ્થા 16 જૂનથી લાગૂ થઈ ચૂકી છે.આ પ્રકારની વ્યવસ્થા કરવા પાછળનો સરકારનો ઉદ્દેશ્ય ગ્રાહકોના હીતનું રક્ષણ કરવાનો છે.પરંતુ આવી સ્થિતિ વચ્ચે મુંબઈમાં અસલી દાગીના પર નકલી હોલમાર્ક રેકેટનો પર્દાફાશ થયો છે. મુંબઈમાં BIS દ્વારા શ્રેણીબદ્ધ દરોડાની કાર્યવાહી હાથ ધરી નકલી હોલમાર્ક ધરાવતાં દાગીનાં જપ્ત કરાયા છે.
ગોલ્ડ જ્વેલરી અને કલાકૃતિઓ પર અનિવાર્ય હોલમાર્કિંગની વ્યવસ્થા અમલમાં આવ્યાને હજુ માંડ એક મહિનો થયો છે ત્યાં જ તેમાં ગોરખધંધાનો ખુલાસો થયો છે.સોનાની ચેન, વીંટી, સહિતના દાગીનાની સપ્લાયમાં મુંબઈ સૌથી મોટુ મથક ગણાય છે. નકલી હોલમાર્કના રેકેટનો પર્દાફાશ થતા બીઆઈએસ (બ્યુરો ઓફ ઈન્ડીયા સ્ટાર્ન્ડડ) દ્વારા ઝવેરીઓને એલર્ટ કરવામાં આવ્યા છે . એજન્સીનાં સુત્રોએ જણાવ્યું છે કે નકલી હોલમાર્ક ધરાવતા સોનાના 714 ગ્રામ દાગીના જપ્ત કરવામાં આવ્યા છે.એક હોલમાર્ક લેબમાંથી જ આ કૌભાંડ પકડવામાં આવ્યું હતું.
આ લેબમાં 10 થી વધુ મોટા જવેલર્સના દાગીનાઓ પર નકલી હોલમાર્ક લગાવવામાં આવતુ હતું.આ તમામ જવેલરી ગુજરાત,ઉતરપ્રદેશ સહિતનાં રાજયોનાં જવેલર્સોને સપ્લાય થવાની હતી.આ નકલી હોલમાર્ક સાથેના દાગીનાં ખરીદનાર ગ્રાહકને દશ ગ્રામે 15000નું નુકશાન થાય તેમ હતું.અર્થાત હલ્કા કેરેટના નબળી ગુણવતાનાં દાગીના હતા તેમાં બોગસ હોલમાર્ક લગાવી દેવામાં આવતા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે ગત મહિનાથી દેશના 256 જીલ્લાઓમાં ફરજીયાત હોલ માર્કનો કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. સોનાના દાગીનાઓમાં બીઆઈએસ, હોલમાર્કના જુદા જુદા ત્રણ ચિન્હ ફરજીયાત છે તેમાં હવે કૌભાંડીયાઓએ બનાવટ શરૂ કરી છે.