યુનિવર્સલ જેમ્સમાથી સીઝ્ડ કરાયેલા હીરાના વેલ્યુએશન માટે એક્સપર્ટની પેનલ બનાવવાનો નિર્ણય

પેનલમાં સમાવિષ્ટ ત્રણથી ચાર એક્સપર્ટ દ્વારા હીરાની કિમત નિર્ધારીત કરાયા બાદ મીત કાછડિયાને સીઝર મેમો આપી તેની સામે કાર્યવાહી શરૂ કરાશે,આ સમગ્ર કૌભાંડમાં મોટા માથાઓની સંડોવણી ખુલવાની સંભાવનાઓ,નિકાસ કરેલા હીરાને વિદેશમાં રોકડેથી વેંચાણ કરીને રૂપિયા હવાલા મારફતે ઉદ્યોગકારો સુધી પહોંચતા હોવાની અધિકારીઓને આશંકા…

DIAMOND TIMES –સૂરત ડીઆરઆઇ અને કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા દસ દિવસ પહેલા સચિન સ્થિત સુરત સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનમાં કાર્યરત યુનિવર્સલ જેમ્સમાં સર્ચની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ કાર્યવાહી દરમિયાન યુનિટના સંચાલક દ્વારા મિસડિક્લેરેશન કરી લેબગ્રોન ડાયમંડના સ્થાને નેચરલ હીરાની નિકાસ કરતા હોવાનો ખુલાસો થયો હતો. કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા હીરાના બે કન્સાઇન્મેન્ટ જપ્ત કરી લેવાયા હતા.હવે ડિપાર્ટમેન્ટ દ્વારા જપ્ત કરવામાં આવેલી હીરાની કિમત નિર્ધારીત કરવા ટૂંકમાં જ ડાયમંડ એક્સપર્ટની પેનલ બનાવવામાં આવશે એમ સુત્રો દ્વારા માહીતી મળી છે.

પેનલમાં સમાવિષ્ટ ત્રણથી ચાર એક્સપર્ટ દ્વારા હીરાની ક્વોલિટીના આધારે કિમત નિર્ધારીત કરાયા બાદ જ મીત કાછડિયાને સીઝર મેમો આપી તેની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવશે.યુનિવર્સલ જેમ્સ વિદેશથી રફ ડાયમંડની અયાત કરી તેના પર પ્રોસેસ કરીને તૈયાર હીરાની વિદેશ નિકાસ કરતા હતા.પરંતુ કંપનીના સંચાલકે દસ્તાવેજમાં લેબગ્રોન હીરાની નિકાસ દર્શાવી  વાસ્તવમાં તે કુદરતી હીરાની નિકાસ કરતા ઝડપાયા હતા.કસ્ટમ ડિપાર્ટમેન્ટના સુત્રો દ્વારા મળતી માહીતી મુજબ આ નેચરલ હીરા સુરત ના જ કેટલાક મોટા હીરા ઉદ્યોગકારોના હોવાનું ચર્ચાઇ રહ્યુ છે કે જેઓ મીતને 2 ટકા કમિશન આપીને વિદેશમાં હીરા એક્સપોર્ટ કરાવતા હતા.

આ ઉપરાંત  વિદેશમાં મોકલવામાં આવેલા હીરા પણ ત્યાં રોકડેથી જ વેચવામાં આવતા હતા અને તેના રૂપિયા હવાલા મારફતે ઉદ્યોગકારો સુધી પહોંચતા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.સુરત કસ્ટમ વિભાગે હવાલાની તપાસ માટે સ્થાનિક એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરી છે.જે ટૂંકમાં જ આ દિશામાં કાર્યવાહી કરી શકે છે.જોકે હાલ કસ્ટમ વિભાગની પ્રાથમિકતા હીરાની કિમતો જાણી મીત કાછડિયાને સીઝર મેમો આપવાની છે. સીઝર મેમો આપ્યા બાદ કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. કસ્ટમ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે હાલ મીત ફરાર છે.જેને લીધે તેની પૂણાગામની ઓફિસને સીઝ કરવામાં આવી છે.મીતના કનેક્શનમાં કસ્ટમ વિભાગ દ્વારા બે દિવસ પહેલા સેઝની અન્ય એક ડાયમંડ યુનિટમાં પણ તપાસ કરવામાં આવી હતી પરંતુ ત્યાંથી કશુ જ હાથ લાગ્યુ ન હતુ.