DIAMOND TIMES : ચીન તથા તાઇવાન વચ્ચે યુદ્ધના ભણકારાને પગલે ગત અઠવાડીયામાં બુલિયન, મેટલ, એનર્જી સહિતની કોમોડિટીમાં અફડાતફડીનો માહોલ રહ્યો હતો. બુલિયન સેક્ટરને બાદ કરતા મોટા ભાગની કોમોડિટીમાં માહોલ મંદી તરફી રહ્યો છે. યુદ્ધની સાથે સાથે ઇંગ્લેન્ડ સહિત યુરોપીય દેશોમાં પણ વ્યાજના દરોમાં વધારાની અસર પણ પડી રહી છે.
યુદ્ધની અસરથી સોનાના ભાવો છેલ્લા એક મહિનાની ઉંચાઈ એ આગળ વધ્યા છે.અમેરિકા સહિત કેટલાય પશ્ચિમી દેશોમાં મંદીનો માહોલ પણ સોનાની તેજીને સપોર્ટ કરી રહેતા વૈશ્વિક સ્તરે ભાવો ૧૮૦૦ ડોલરની સપાટીએ અને દેશમાં MCX ઉપર ભાવો ૫૧૮૦૦ની સપાટીએ બંધ રહ્યા છે. તાઇવાનને કારણે ચીન- અમેરિકા વચ્ચે તણાવમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી સોનાની ડિમાન્ડમાં વધારો થતા હાલમાં આઉટલૂક પોઝીટીવ દેખાઈ રહ્યું છે. જેથી નફારૂપી વેચવાલીનું પ્રેશર વધી રહ્યું છે.
સતત વધતી જતી મોંઘવારીની અસર ખાદ્ય ચીજો, કાચા માલ સહીત સોના-ચાંદીના કારોબાર ઉપર પણ જોવા મળી રહી છે. છેલ્લા ચારેક મહિનાથી સોનાની જ્વેલરીના વેચાણમાં ૫૦ ટકા ઉપરાંતનો ઘટાડો થયો હોવાની ચોંકાવનારી માહિતી ઝવેરી વર્તુળોમાંથી બહાર આવી રહી છે. જેના લીધે નવી જ્વેલરી બનાવટના ધંધામાં પણ ભારે મંદી છવાતા લગભગ ૬૫થી ૭૦ લાખ લોકોને રોજગારી ઉપર નેગેટીવ અસર થવાની દહેશત ઉભી થઈ છે.
ગયા મહિને સરકારે સોનાની આયાત ડયુટી ૭.૫ ટકાથી વધારીને ૧૨.૫ ટકા કરતા સોનાની ડિમાન્ડમાં ૬૦ ટકા ઉપરાંતનો ઘટાડો નોંધાયો છે. દેશના નાના મોટા તમામ શહેરોમાં સોનાના ઘરેણાના મેન્યુફેક્ચરીંગ યુનિટોમાં કામકાજ અડધાથી ઓછા થઈ ગયા છે. જેના લીધે ઝવેરી બજારમાં ગભરાટનો માહોલ ઉભો થયો છે. આગામી તહેવારોમાં સોના-ચાંદીનો કારોબાર ગત વર્ષ જેટલો રહેશે કે પછી ઘટશે ? તે બાબત ચિંતાનું મોજું છે.