જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે 50 કરોડના ખર્ચે મેગા કોમન ફેસેલીટી સેન્ટર બનાવાશે : વિપુલભાઈ શાહ

DIAMOND TIMES :સુરતના હીરા ઉદ્યોગકારો અને જ્વેલરી ઉત્પાદકો માટે નવી ફેસિલીટી ઉભી થાય તે માટે જીજેઈપીસી (જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ) દ્વારા સુરતમાં અંદાજે 50 કરોડ રૂપિયાના ખર્ચે મેગા કોમન ફૅસિલીટી સેન્ટર (સીએફસી) બનાવવામાં આવશે.

વરાછા ખાતે ભારત-ઓસ્ટ્રેલિયા ટ્રેડ એગ્રીમેન્ટનો ઉદ્યોગકારોને મહત્તમ લાભ અપાવવા GJEPC દ્વારા આયોજીત ગાઇડન્સ મિટીંગમાં જીજેઈપીસીના ચેરમેન વિપુલભાઈ શાહ સુરતના મહેમાન બન્યા હતા. ત્યારે પત્રકારોને ઉપરોત માહીતી આપી હતી.

નોંધનિય છે કે સુરતમાં 7 હજારથી પણ વધારે ડાયમંડ મેન્યુફેક્ચરિંગ યુનિટો અને 450 થી પણ અધિક જ્વેલરી મેન્યુફેક્ચર્સ છે.આ બંને ઉદ્યોગો સાથે લાખો લોકો સંકળાયેલા છે. તેમને નવા એકમો શરૂ કરવા, ઉપરાંત હીરાની માપણી, જ્વેલરીનું હોલમાર્કિંગ,વજન સહિતની પ્રવૃતિઓ એક જ જગ્યા પર કરી શકે તેવી સુવિધા મળી રહે તે માટે સુરતમાં મેગા કોમન ફેસિલીટી સેન્ટર તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જીજેઈપીસી પાસે ઈચ્છાપોર ખાતેના જેમ એન્ડ જ્વેલરી પાર્ક ખાતે જગ્યા છે જેમાં આ સેન્ટર બનાવાશે. હાલ મુંબઈમાં સીએફસી સેન્ટરનું કામ ચાલી રહ્યું છે.

જીજેઈપીસીના ચેરમેન વિપુલ શાહે ઉમેર્યુ હતુ કે સુરતમાં કોમન ફેસિલિટી સેન્ટર તૈયાર કરવા માટે મિટિંગનું આયોજન કર્યું હતું,સુરતના જ્વેલરી ઉદ્યોગકારો, જ્વેલરી ઉત્પાદકો વધારેમાં વધારે તેનો લાભ લઈ શકે તે રીતે તેને ડિઝાઈનેંગ કરાશે.આગામી 3 અઠવાડિયામાં તેનો ડીપીઆર તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.