ગોલ્ડમાં તેજીનો ચમકારો : પ્રતિ દશ ગ્રામે રૂપિયા 600 વધીને અઢી વર્ષની ટોચે

DIAMOND TIMES : સેફહેવન ગણાતા સોનામાં ફરી તેજીનો ટ્રેન્ડ શરૂ થયો છે. નવું વર્ષ પણ વૈશ્વિક સ્તરે મંદીનો માહોલ જળવાઇ રહેશે. ડોલર સામે રૂપિયામાં ઘસારો, ચીન-ભારતની માગમાં વૃદ્ધિ તેમજ સેન્ટ્રલ બેન્કોની ખરીદીના કારણે સોના-ચાંદીમાં નવી ઊંચી સપાટી ટૂંક સમયમાં જોવા મળશે તેવું બુલિયન એનાલિસ્ટોનું કહેવું છે.

સોનું પ્રતિ 10 ગ્રામ 600 વધી રૂ.57,000ની સપાટી કુદાવી 57,200 બોલાઇ ગયું છે જે તેની અઢી વર્ષની ઊંચી સપાટી છે.જ્યારે ચાંદીમાં પણ ઝડપી 1500નો ઉછાળો થઇ 69,000ની સપાટી કુદાવી ચૂકી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1840 ડોલર અને ચાંદી 24.50 ડોલર ક્વોટ થઇ રહ્યાં છે. વૈશ્વિક સ્તરે સતત વધી રહેલા ફુગાવાથી હેજફંડ્સ-સેન્ટ્રલ બેન્કો સોના તરફ આકર્ષાતા સતત સુધારા તરફી ચાલ જોવા મળી છે.

આ ઉપરાંત ચીન, રશિયા, યુરોપ અને જર્મનીમાં ફરી કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થવાના કારણે વૈશ્વિક સ્તરે ઉભરતાં અર્થતંત્રોમાં રૂકાવટ આવશે તેવા અહેવાલે બજારને સપોર્ટ મળી રહ્યો છે. બુલિયન એનાલિસ્ટોના મતે રૂપિયો ઘસાઇ 83ની સપાટીએ પહોંચ્યો છે. જેના કારણે સ્થાનિક બજારમાં આંતરરાષ્ટ્રીય બજારોની તુલનાએ કિંમતો ઝડપી વધી છે. સોના-ચાંદી સાથે પ્લેટિનમ 1075 ડોલર અને પેલેડિયમ 1790 ડોલર ક્વોટ થઇ રહ્યા છે.

સોનું સ્થાનિક બજારમાં દિવાળી સુધીમાં પ્રતિ 10 ગ્રામ રૂ.60-62,000ની નવી ટોચ અને ચાંદીમાં વર્ષાન્ત સુધીમાં 90,000નું સ્તર જોવા મળે તેવા ફંડામેન્ટલ વૈશ્વિક સ્તર પર બની રહ્યા છે.સોનામાં 53,000નો ભાવ નવી ખરીદી માટે ઉત્તમ સોનાની ખરીદી માટે હવે ઝડપી ઘટાડાના સંકેતો નહિંવત્ છે. છેલ્લા કેટલાક સમયથી સતત વધી રહ્યું હોવાથી એકાદ પ્રોફિટબુકિંગ આવી શકે છે અને સોનું ઘટી રૂ.53,000-52,500 સુધી પહોંચી શકે. આ સમય નવા રોકાણકારો તેમજ ખરીદનાર ગ્રાહકો માટે ઉત્તમ સમય સાબિત થશે તેવું એનાલિસ્ટોનું કહેવું છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના કરતાં ચાંદીમાં ઝડપી તેજીના ફંડામેન્ટલ બની રહ્યા છે. 5-જી ટેક્નોલોજી તેમજ અન્ય ટેક્નોલોજી તથા ઇન્ડસ્ટ્રિયલ સેગમેન્ટમાં ચાંદીની માગ ઝડપભેર વધી રહી છે. લંડન મેટલ એક્સચેન્જ ખાતે ચાંદીનો સ્ટોક તળિયે પહોંચ્યો છે. સિલ્વર ઇટીએફમાં રોકાણકારોની એન્ટ્રીથી સપોર્ટ મળશે. ચાંદી નીચામાં 63,000ના ભાવે રોકાણ કરવું વળતરદાયી સાબિત થઇ શકે. સરેરાશ 30 ટકા વાર્ષિક રિટર્ન આપી શકે છે.