ઉદ્યોગકારોને માર્ગદર્શન આપવા સુરતમાં બિઝનેસ કાઉન્સેલીંગ સેન્ટર શરૂ કરાશે

196

ડાયમંડ ટાઈમ્સ

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા બિઝનેસ કાઉન્સેલીંગ સેન્ટર શરૂ કરવામાં આવશે. બિઝનેસ કાઉન્સેલિંગ સેન્ટર દ્વારા ઉદ્યોગકારોને વિવિધ ક્ષેત્રને લગતું માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.દર પંદર દિવસે વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો એક જ સમયે ઉદ્યોગકારોને જુદા–જુદા વિષયો ઉપર માર્ગદર્શન આપશે.

બુધવાર, તા. ૧૦ માર્ચ, ર૦ર૧ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે ‘રેવન્યુ કલીનીક’વિષય હેઠળ સુરતના ભૂતપૂર્વ કલેકટર જે.બી. વોરા દ્વારા જમીન અને મિલકત સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવશે. ત્યારબાદ સાંજે ૪:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક દરમિયાન વિવિધ વિષયો ઉપર નિષ્ણાંતો માર્ગદર્શન આપશે. જેમાં રિટેઈલ વેપારના અપગ્રેડેશન અને સમસ્યાઓ અંગે અર્બન ઇન્ડિયા ટ્રેડર્સ ફેડરેશન, ગુજરાતના પ્રમુખ પ્રમોદ ભગત અને અનિલ જેતવાણી દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

બુધવારના દિવસે સાંજે ૪:૦૦ કલાકે કોપીરાઈટ, પેટર્ન, ટ્રેડમાર્ક, આઈ.એસ.ઓ. ૯૦૦૦ અંગે આ વિષયના નિષ્ણાંત પરેશ લાઠીયા માહિતી આપશે. કેપિટલ માર્કેટ અને શેરને લગતી કોઇપણ સમસ્યા, ફિઝીકલ શેરમાંથી ડિબેટ કરાવવું હોય, વારસાની– સારસાની મેટર હોય, પાર્ટલી પેઈડ અપ કે ફુલ્લી પેઈડ અપ, કોર્ટ–કચેરી એડ્રેસ ટ્રાન્સફર કે નામ ટ્રાન્સફરની સમસ્યા અંગે શેરબજારના તજજ્ઞો કેતન દલાલ, અયુબ યાકુબઅલી અને દીપેશ પરીખ માર્ગદર્શન આપશે.

આ ઉપરાંત કોઇપણ પ્રકારની લોન અને સબસીડી અંગેની સમસ્યાઓ અંગે માર્ગરશન અપાશે. લોન માટે હાલની યોજનાઓ તથા લોન મેળવવાં જરૂરી પેપર તૈયાર કરવા, સીસી/ઓડી વગેરે પ્રશ્નો વિશે કાઉન્સેલર તરીકે સીએ હરિવદન રાણા, કુરજી પીપલીયા (કન્સલ્ટન્ટ), કેતન પાનવાલા, સીએ વિપુલ શાહ અને સીએ રાજીવ કપાસીયાવાલા માર્ગદર્શન આપશે.

‘સ્ટાર્ટ અપ’ માટે સીએ મયંક દેસાઈ અને હરેશ કલકત્તાવાલા દ્વારા સ્ટાર્ટ અપ રજિસ્ટ્રેશન માટે, બેઝીક ગાઇડન્સ માટે, આઈડિયા વેલિડેશન કરવા માટે, કો–ફાઉન્ડર શોધવા માટે, મેન્ટર મેળવવા માટે, ગવર્નમેન્ટ સ્કીમ્સ જાણવા માટે, ઇન્વેસ્ટર સાથે મુલાકાત કરાવવા માટે અને કોઈક ઇન્વેસ્ટરે સ્ટાર્ટ અપમાં રોકાણ કરવું હોય તો નવા સ્ટાર્ટ અપ સાથે મુલાકાત કરવા માટેના સલાહ–સૂચનો આપવામાં આવશે.

બિઝનેસ કાઉન્સેલીંગ સેન્ટરમાં અસરકારક માર્ગદર્શન મેળવવા માટે જરૂરી પેપર લઇને આવવાનું રહેશે.તેમજ બિઝનેસ કાઉન્સેલીંગ સેન્ટરમાં ભાગ લેવા માટે ગુગલ લીન્ક https://bit.ly/3e99xTk ઉપર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.