વિદેશથી વતન ભણી : વિદેશમાં ડિગ્રી મેળવીને 50 યુવા સાહસિકોએ સ્વદેશમાં અલગ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સ સ્થાપ્યાં

17
  • 8450થી વધુ સ્ટાર્ટઅપ્સ રજિસ્ટર્ડ ગુજરાતમાં અત્યારસુધીમાં
  • 500થી વધુ સ્ટાર્ટઅપ્સની ફાઉન્ડર મહિલા ઉદ્યોગ સાહસિકો
  • ​​​​​​​77 કરોડનું ફંડિંગ મેળવ્યું 7 સ્ટાર્ટઅપ્સે ચાલુ નાણા વર્ષમાં
  • ​​​​​​​અનુકૂળ ઈકો-સિસ્ટમના લીધે વતનમાં સ્ટાર્ટઅપ્સ શરૂ કરવાનો ટ્રેન્ડ વધ્યો.

DIAMOND TIMES – વિદેશ જનારા કોઇ પાછાં ફરતાં નથી તેવું કહેવાય છે. પરંતુ યુવા પેઢીનો વતન પ્રેમ અને પોતાના દેશમાં જ સાહસ ખેડવાની ખેવના આજે પણ અકબંધ હોવાનું વિદેશમાં ભણી- ગણીને ભારતમાં ઉદ્યોગ સ્થાપનારા 50થી વધુ યુવાનોએ પુરવાર કરી બતાવ્યું છે. છેલ્લા 3 વર્ષમાં નવા શરૂ થયેલાં કુલ સ્ટાર્ટઅપ્સમાં અંદાજિત 20 ટકા સ્ટાર્ટઅપ્સ વિદેશી ડિગ્રી ધરાવતા આંત્રપ્રિન્યોર્સના છે.

લેન્ડિંગકાર્ટ, મોબિક્વિક, અપના, પેટપૂજા જેવા યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ વિદેશમાંથી ટેક્નોલોજી અને ઈનોવેશનનો અનુભવ લઈ આવનારા ગુજરાતીઓના છે. યુનિક સ્ટાર્ટઅપ્સને ફંડિંગ, સરકારની અનૂકુળ નીતિઓ અને ઈકો-સિસ્ટમ ભારતમાં મળી રહેતી હોવાથી વિદેશમાંથી ટેક્નોલોજી, ઈનોવેશન્સના બહોળા અનુભવ સાથે પરત ફરી વતનમાં સ્ટાર્ટઅપ શરૂ કરી દેશના ગ્રોથમાં સહભાગી બની રહ્યાં છે. ચાલુ નાણાકીય વર્ષમાં ગુજરાતના સાત સ્ટાર્ટઅપ્સે રૂ. 77 કરોડનું ફંડિંગ મેળવ્યું છે.

અમદાવાદમાં અંદાજિત 40થી 50 સ્ટાર્ટઅપ્સ એવા છે કે, જેના ફાઉન્ડર, કો-ફાઉન્ડર અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, કે યુકેમાં અભ્યાસ કરીને સ્વદેશ પરત ફરેલાં યુવાનો છે. વિદેશમાં મહત્તમ પાંચ વર્ષ ભણી-ગણી, નવા અનુભવો સાથે દેશમાં જ નાના-મોટા સ્ટાર્ટઅપ શરૂ કરી કમાણી કરવાનું પસંદ કરી રહ્યાં છે.

ગ્લોબલ માર્કેટ સામે ભારતીય બજારો 10થી 15 ટકાના દરે ગ્રોથ કરી રહ્યાં છે. યુવાનો નોકરી કરવાના બદલે પોતાની ક્રિએટીવિટી, ઈનોવેશન્સનો ઉપયોગ કરવા માગે છે. સરકારની યુનિક સ્ટાર્ટઅપ્સ માટે અનુકૂળ નીતિઓના લીધે વિદેશમાં ભણતાં વિદ્યાર્થીઓ બહારની ટેક્નોલોજી, ઈનોવેશન્સ, પ્રોડક્ટ્સ સેગમેન્ટમાં સ્ટાર્ટઅપ્સ સ્થાપિત કરી રહ્યાં હોવાનું ભાવેશ ઉપાધ્યાય, ફાઉન્ડર, એન્ટરપ્રાઈઝિંગ ઈન્ડિયન જણાવે છે.

60 લાખનું પેકેજ છોડનારા સ્વપ્નિલનું સ્વદેશી સપનું
ન્યૂયોર્કમાં માસ્ટર્સ ઈન ફાઈનાન્સ એન્ડ મેક્રો ઈકોનોમી કર્યાં બાદ વાર્ષિક 60 લાખનું પેકેજ મળી રહ્યું હોવા છતાં સ્વપ્નિલ દવેએ અમદાવાદ પરત ફરી સ્પોર્ટ્સ અને રિસાયક્લિંગ સેગમેન્ટમાં કેફેન એન્ડ ઓક્ટેન નામથી બે સ્ટાર્ટઅપ્સ શરૂ કર્યાં છે. દેશમાં જ 90થી 94 ટકા કચરો છૂટો પાડી તેના ઈ-વેસ્ટ મેનેજમેન્ટ પર કામ કરી રહ્યાં છે.

99% એસેસરીઝનો આયાત વિકલ્પ બનશે અનુજ
અમેરિકામાંથી મેકાટ્રોનિક્સ એન્ડ પ્રોડક્ટ ડિઝાઈનનો અભ્યાસ કર્યા બાદ ઝેન્ડર ઈન્ક નામથી સ્ટાર્ટઅપની શરૂઆત કરનાર અનુજ મહેતા 99 ટકા આયાત થતી સ્માર્ટફોન એસેસરિઝનું દેશમાં ઉત્પાદન કરવા માગે છે.

ટૂંકા સમયમાં ઊંચાઈ હાંસલ કરી રાજ પટેલે
કેનેડા, ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરી બિઝનેસમેન બનવાની ઝંખના તેમજ શોખને ઈનોવેટિવ આઈડિયામાં તબદિલ કરી દેશમાં જ સફળ આંત્રપ્રિન્યોર બન્યાં છે. સ્વિચ નામથી ઈલેક્ટ્રિક સાયકલ્સથી માંડી ઈ-મોટરબાઈકના યુનિક કોન્સેપ્ટ સાથે 26 રાજ્યોમાં બિઝનેસ કરી રહ્યાં છે. સ્ટાર્ટઅપ્સને રાજ પટેલ ટૂંકસમયમાં યુનિકોર્ન બનવા પ્રતિબદ્ધ છે.

વાઇબ્રન્ટમાં પ્રથમ વખત સ્ટાર્ટઅપ્સ માટે સમિટ
જાન્યુઆરીમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં સ્થાનિક સ્ટાર્ટઅપ્સને વેગ આપવા તેમજ એન્કર ઈન્વેસ્ટર, અને વેન્ચર કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ પૂરુ પાડવા પ્રથમ વખત સ્ટાર્ટઅપ્સ માટે એક દિવસની સ્ટાર્ટઅપ્સ સમિટ યોજાશે.

સ્ટાર્ટઅપ્સ શરૂ કરવા પાછળનાં કારણો

  • ગ્લોબલ માર્કેટ સામે ભારતીય બજારનો 10થી 15 ટકાના દરે ગ્રોથ
  • નોકરી કરવાને બદલે પોતાનું વેન્ચર ઉભુ કરવાની ઈચ્છા
  • ડોલરની કમાણીનું ભારતીય સ્ટાર્ટઅપમાં સફળ મૂડીરોકાણ
  • વિકસિત દેશોની ટેક્નોલોજી, ઈનોવેશન્સ લાવવાની ઇચ્છા
  • ભારતીય સ્ટાર્ટઅપ્સમાં વધી રહેલુ વિદેશી મૂડીરોકાણ