દિલ્હીમાં ચાર કરોડના દાગીના લૂંટનારા 40 રૂપિયાના ઓનલાઇન ટ્રાન્ઝેક્શનને લીધે ઝડપાઇ ગયા

DIAMOND TIMES : ચાર કરોડના દાગીના લૂંટનારાઓ પાસે ચાલીસ રૂપિયા રોકડા ન હોવાને કારણે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવા ગયા અને આરોપીઓ ઝડપાઇ ગયા. કોઈએ સાચું જ કહ્યું છે કે ગુનેગાર ગમે તેટલો હોશિયાર હોય પણ તેની એક ભૂલ તેને જેલના સળિયા પાછળ લઈ જવા માટે કાફી છે. દિલ્હીના પહાડગંજમાં જ્વેલરીની દુકાનમાં લૂંટ કરનારાઓ સાથે પણ આવું જ થયું.

ચાર કરોડના દાગીના લૂંટનારાઓ પાસે 40 રૂપિયા પણ નહોતા. આથી આરોપીઓએ પેટીએમ કરીને કેબ ડ્રાઈવર પાસેથી 40 રૂપિયા રોકડા લીધા હતા. પોલીસે આ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા આરોપીઓને ટ્રેસ કર્યા અને ત્યારબાદ રાજસ્થાનમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી. હાલ પોલીસે આરોપીઓ પાસેથી બે કરોડના દાગીના જપ્ત કર્યા છે.

31 ઓગસ્ટના રોજ સવારે લગભગ 4.30 વાગ્યે, આરોપીઓ કુરિયર કંપનીના બે છોકરાઓ પાસેથી આશરે રૂ. 4 કરોડના દાગીનાની લૂંટ કરી ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. પોલીસે આ મામલે એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન પોલીસે લૂંટની જગ્યાની આસપાસના 200 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજ સ્કેન કર્યા હતા.

પોલીસે 1 અઠવાડિયા પહેલાના ફૂટેજની તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે આરોપી એક અઠવાડિયાથી આ વિસ્તારની રેકી કરી રહ્યો હતો. આ જ ફૂટેજની તપાસ દરમિયાન પોલીસે જોયું કે આરોપીઓ પહાડગંજ વિસ્તારમાં એક કેબ ડ્રાઈવર સાથે વાત કરી રહ્યા હતા. પોલીસને કેબના નંબર દ્વારા ડ્રાઈવર વિશે જાણવા મળ્યું.

કેબ ડ્રાઈવરે પોલીસને જણાવ્યું કે કેટલાક લોકો ચાની દુકાન પર ચા પી રહ્યા હતા. તેમની પાસે રોકડ ન હતી અને દુકાન માલિક પાસે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની સુવિધા ન હતી, ત્યારબાદ તેઓએ કેબ ડ્રાઈવર સાથે વાત કરી, તેની પાસેથી રોકડ ઉછીના લીધા અને પૈસા તેના પેટીએમમાં ​​નાખ્યા.

આ પછી, જ્યારે પોલીસે તે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની વિગતો કાઢી તો જાણવા મળ્યું કે આ વ્યક્તિ દિલ્હીના નજફગઢનો રહેવાસી છે પરંતુ તેનું લોકેશન જયપુર હોવાનું બહાર આવ્યું. આ પછી પોલીસની એક ટીમ તરત જ જયપુર ગઈ અને ત્યાંથી ત્રણ લોકોને કસ્ટડીમાં લીધા. પોલીસે આરોપી પાસેથી કરોડોના દાગીના જપ્ત કર્યા છે.