અમેરીકામાં કરોડો રૂપિયાની ડુપ્લીકેટ ચાઈનીઝ જ્વેલરી ઝડપી પાડતુ કસ્ટમ વિભાગ

52

DIAMOND TIMES – યુ.એસ. કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન કસ્ટમ વિભાગે અમેરીકામાં નબળી ગુણવત્તા ધરાવતી 3.09 મિલિયન અમેરીકી ડોલરની નકલી ચાઈનીઝ જ્વેલરી ઝડપી પાડી છે.લૂઈસ વીટન,ગુચી,કાર્ટિયર, હર્મેસ, વર્સાચે અને ચેનલ જેવી વિખ્યાત બ્રાન્ડના લેબલ લગાવી ડુપ્લીકેટ ઘરેણાં અને સ્કાર્ફ સહીતની જ્વેલરીનું શિપમેન્ટ યુએસ કસ્ટમ્સની ઝપેટે ચડી ગયુ હતુ.ઉલ્લેખનિય છે કે આગામી વેકેશન અને નાતાલના તહેવારોને અનુલક્ષીને અમેરીકા અને યુરોપમાં હીરા-ઝવેરાતની ધુમ ખરીદી થઈ રહી છે.જેનો કેટલાક મેલીમુરાદ ધરાવતા લેભાગુઓએ હીન વ્યાપારીક પ્રવૃતિ દ્વારા લાભ ખાટવાનો પ્રયાસ કર્યો છે.

યુ.એસ. કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) વિભાગની તપાસમાં બહાર આવ્યુ છે કે ચીનમાંથી બ્રેસલેટ,વીંટી,કાન ની બુટ્ટી સહીતના 1,830 ડુપ્લીકેટ ઘરેણા ચીનથી ન્યુયોર્ક મોકલવામાં આવ્યા હતા.પરંતુ પેકેજિંગ અને સામગ્રીની નબળી ગુણવત્તાના કારણે 3.09 મિલિયન અમેરીકી ડોલરની કીંમતનો આ માલ પાઇરેટેડ હોવાની અધિકારીઓને શંકા જતા ઝીણવટ ભરી તપાસના અંતે આ ભોપાળુ બહાર આવ્યુ હતુ.યુ.એસ. કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનના લાફોન્ડા સટન-બર્કે જણાવ્યું કે નકલી સામાનના કારણે જ્વેલરી અને હીરાના કારોબાર તેમજ અર્થતંત્ર પર તેની ગંભીર અસર થઈ શકે છે.ગ્રાહકોને જવેલરીની ખરીદી માટે જાગૃત રહેવાની પણ આ અધિકારીએ ગ્રાહકોને અપીલ કરી હતી.