મેન્યુફેક્ચરિંગનું ભાવિ બદલશે 3D પ્રિન્ટિંગ : કુંતેશ રાદડિયા

862

DIAMOND TIMES – 3D પ્રિન્ટિંગ – લાંબા સમયથી, ટેક્નોલોજીના ક્ષેત્રમાં આ વિષય જિજ્ઞાસા અને ચર્ચાનો વિષય રહ્યો છે. 3D પ્રિન્ટિંગ ટેક્નોલોજીથી સમગ્ર દુનિયાની મેન્યુફેક્ચરિંગની સિકલ બદલાઈ જશે એવી પણ વાતો ચાલી રહી છે,તેમ છતાં 3D પ્રિન્ટિંગ એક્ઝેક્ટલી શું છે એ વિશે લોકોને પૂરો અંદાજ હોતો નથી.જો કે 3D પ્રિન્ટિંગ શું છે અને આજ ની દુનિયામાં તેનું મહત્ત્વ શું છે તેની વાત કરતાં પહેલાં આપણે અત્યાર સુધી થયેલી ઔદ્યોગિક ક્રાંતિઓમાં થોડા ઊંડા ઊતરવું પડે તેમ છે. આપણી દુનિયાએ અત્યાર સુધીમાં ત્રણ ઔદ્યોગિક ક્રાંતિઓ જોઈ લીધી છે.કોલસા, પાણી અને એ બંનેથી પેદા થતી વરાળની ક્રાંતિએ સમગ્ર દુનિયામાં અનેક કારખાના ધમધમતાં કર્યાં. તેના થી વિવિધ ચીજ વસ્તુઓનું ઉત્પાદન અને ટ્રાન્સપોર્ટેશન શક્ય બન્યાં.ત્યાર પછી ઇલેક્ટ્રિસિટીની શોધને કારણે બીજી ઔદ્યોગિક ક્રાંતિનાં મંડાણ થયાં.કારખાનાંઓમાં એસેમ્બલી લાઇન્સ ધમધમતી થઈ,પરિણામે ઉત્પાદનનું પ્રમાણ અને ઝડપ વધ્યાં.

કુંતેશ રાદડિયા , Business Head, STPL 3D, સહજાનંદ ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ
કુંતેશ રાદડિયા , Business Head, STPL 3D, સહજાનંદ ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ

એ પછી આવી ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિ. લગભગ ૧૯૫૦ના દાયકાથી કમ્પ્યુટર ટેકનોલોજી વિકસવા લાગી. આખી દુનિયા ની માહિતીનું સંકલન, પ્રોસેસિંગ અને શેરિંગ શક્ય બનવા લાગ્યું. વેક્યૂમ ટ્યૂબથી શરૂ થયેલી આ ઔદ્યોગિક ક્રાંતિ ટ્રાન્ઝિસ્ટર્સ ,માઇક્રોપ્રોસેસર્સ, રોબોટિક્સ અને ઓટોમેશનની દિશામાં તેજ ગતિએ આગળ વધવા લાગી. આ દરમિયાન ઇન્ટરનેટે ઇન્ફર્મેશનનો સુપરફાસ્ટ એક્સપ્રેસ વે તૈયાર કરી આપ્યો. માહિતીનો વિસ્ફોટ થયો અને ગ્લોબલાઇઝેશનનો એક નવો જ યુગ શરૂ થયો.

હવે આપણે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ તરફ આગળ વધી રહ્યા છીએ. હવે સમય ‘સાયબર ફિઝિકલ સિસ્ટમ’ નો આવી ગયો છે. એટલે કે હવેના સમયમાં માનવની અને મશીનની આગવી શક્તિઓ એકમેકને પૂરક બનવા લાગી છે. હવે ફિઝિકલ, ડિજિટલ અને બાયોલોજિકલ ક્ષેત્રે વિકસી રહેલી ટેકનોલોજી વચ્ચેની ભેદરેખાઓ ભૂંસાવા લાગી છે. આ ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં 3D પ્રિન્ટિંગ ટેક્નોલોજીની ભૂમિકા બહુ મહત્ત્વની સાબિત થશે.

3D પ્રિન્ટિંગની નવી ટેકનોલોજીને કારણે મેન્યુફેકચરિંગનું ક્ષેત્ર સદંતર બદલાઈ જાય તેવી શક્યતા

આ ટેકનોલોજી ‘ADDITIVE MANUFACTURING’ તરીકે પણ ઓળખાય છે કારણ કે તેમાં જુદી જુદી ચીજવસ્તુને, મટિરિયલનાં એકની ઉપર એક લેયર ઉમેરીને બનાવવામાં આવે છે. ઓટો પાર્ટ્સથી માંડીને હૃદયના વાલ્વ સુદ્ધાં અને આખેઆખી કાર કે મકાન પણ હવે 3D પ્રિન્ટ કરી શકાય છે. 3D પ્રિન્ટિંગનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં વિવિધ, કોમ્પ્લેક્સ પાર્ટના પ્રોટોટાઇપ્સ બનાવવાની પ્રક્રિયા સરળ, ઝડપી અને પ્રમાણમાં સસ્તી બની જાય છે. 3D પ્રિન્ટિંગ નજીકના ભવિષ્યમાં માસ કે બલ્ક પ્રોડક્શનનું સ્થાન નહીં, પણ એ પહેલાંની પ્રોસેસિંગમાં ચોક્કસ મોટી ભૂમિકા ભજવશે.

એન્જિનીયરિંગ કોલેજીસમાં યોજાતા ટેકનોલોજી ફેસ્ટિવલ કે રોબોટિક્સ ઇવેન્ટસમાં, વિદ્યાર્થીઓ રોબોટનો કોઈ ખાસ ભાગ ડેવલપ કરવા માગતા હોય તો તેને પરંપરાગત રીતે મેન્યુફેક્ચર કરવો લગભગ અશક્ય બને, પણ એ રસ્તે જવાને બદલે, જો તેઓ 3D ડિઝાઇનિંગ ટૂલ્સની મદદથી ડિઝાઇન કરી લે અને પછી 3D પ્રિન્ટ મેળવી લે તો તેમનું કામ ઘણા ઓછા ખર્ચમાં અને સમયમાં પૂરું થઈ શકે. એક સમયે, 3D પ્રિન્ટિંગ ઘણું ખર્ચાળ હતું, પણ હવે લોકો પોતાના ઘરમાં 3D પ્રિન્ટર વસાવી શકે એ દિવસો લગભગ આવી પહોંચ્યા છે.

3D પ્રિન્ટિંગમાં ઓટોકેડ કે અન્ય કોઈ પણ એપ્લિકેશનમાં જે વસ્તુ 3D પ્રિન્ટ કરવી હોય તેની 3D ડિઝાઇન ફાઇલ તૈયાર કરાય છે. આ ફાઇલ 3D પ્રિન્ટરને આપવામાં આવે છે. પ્રિન્ટરમાં એક્સ, વાય અને ઝેડ ધરી પર ફરે એવી એક નોઝલ હોય છે, જેમાંથી જે મટિરીયલથી વસ્તુ પ્રિન્ટ કરવાની હોય તે અર્ધ પ્રવાહી સ્વરૂપમાં નીકળે છે. આ નોઝલ છેક નીચે રાખે પ્લેટફોર્મ પર, તેને મળેલી ફાઇલ મુજબ એક પછી એક લેયરમાં મટિરીયલ પાથરે છે અને એ રીતે ડિઝાઇન મુજબની 3D વસ્તુ તૈયાર થઈ જાય છે!

3D પ્રિન્ટિંગ લગભગ તમામ પ્રકારની ઇન્ડસ્ટ્રીને ઉપયોગી થતી ટેકનોલોજી છે.સુરત સ્થિત STPL કંપનીએ મેન્યુ ફેકચરિંગમાં 3D પ્રિન્ટિંગના મહત્ત્વને પારખીને એ દિશામાં લાંબા સમયથી રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કાર્ય શરૂ કરી દીધું હતું.ડાયમન્ડ પ્રોસેસિંગ માટે લેસર ટેકનોલોજી તથા રોબોટિક્સ અને ઓટોમેશન સોલ્યુશન્સના ક્ષેત્રે વિશ્વસ્તરે અગ્રણી STPL કંપનીએ ખાસ 3D પ્રિન્ટિંગ પર ફોક્સ્ડ કરવા માટે ખાસ અનુભવી ટીમ (STPL3D) ની રચના કરાય છે.જે ગ્લોબલ લેવલના પ્રિન્ટર બનાવામાં નિપુણ છે.

આ કંપનીએ શરૂઆતમાં 3D પ્રિન્ટર્સ વસાવીને વિવિધ પ્રકારની ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત અનુસાર 3D પ્રિન્ટિંગ સોલ્યુશન્સ આપવાની શરૂઆત કરી હતી. હવે કંપની પોતાનું કાર્યક્ષેત્ર નોંધપાત્ર રીતે વિસ્તારી રહી છે. હવે કંપનીએ પોતે 3D પ્રિન્ટર્સ વિકસાવવાનું આયોજન કર્યું છે. આ કારણે ભારતના વિવિધ પ્રકારના ઉદ્યોગોને તેમની પ્રોટોટાઇપિંગ તથા મેન્યુફેકચરિંગની જરૂરિયાતો અનુસાર 3D પ્રિન્ટિંગ માટે કે પ્રિન્ટર્સ વસાવવા માટે વિદેશી કંપનીઓ તરફ નજર દોડાવવી નહીં પડે.

આવનારા સમયમાં 3D પ્રિન્ટિંગ આપણી રોજબરોજની જિંદગી તથા અનેકવિધ ઇન્ડસ્ટ્રીમાં ધરમૂળથી પરિવર્તન લાવશે એ નક્કી છે.