25 લાખની છેતરપીંડી : અસલી હીરાનો ચાલાકીથી બદલો મારી પેકેટમાં કાચના ટુકડા મૂકી ગઠીયાઓ ફરાર

DIAMOND TIMES : વેસુના વેપારીની ઓફિસમાં 25 લાખના હીરાના પેકેટના ચાલાકીથી બદલો મારી 2 ગઠિયાઓ કાચના ટુકડા પધરાવી પલાયન થતા ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલિસે સીસી ટીવી કેમેરામાં કેદ થયેલી બાઈક અને મોબાઈલ નંબરના આધારે ગઠિયાઓ ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

બનાવની જાણવા મળતી માહિતી અનુસાર સુરતના વેસુના નંદની-1માં રહેતા રૂપક કમલેશ ગર્ગ (43) સોસિયો સર્કલ પાસે યુનિક હોસ્પિટલની સામે ઝિનોન કોમ્પ્લેક્સમાં જ્વેલર્સ જેમ્સ પ્રા.લી. નામથી હીરાનો વેપાર કરે છે. ગઈ તા.12 ડિસેમ્બરના રોજ તેમની ઓફિસના નંબર પર ફોન આવ્યો હતો અને મુંબઈથી લક્ષ્મી જ્વેલર્સમાંથી ભરત પટેલ બોલતા હોવાનું જણાવી કટ એન્ડ પોલિશ્ડ કવોલિટીના હીરાની ખરીદી કરવાનું જણાવ્યું હતું.ત્યારબાદ ગઠીયાઓ ગત તારીખ 19 મીએ રૂપકભાઈની ઓફિસે સેમ્પલ જોઈ ભાવતાલ કરી જતા રહ્યા બાદ સાંજે ફરીથી ફોન કરીને બે અલગ અલગ ક્વોલિટીના 100-100 કેરેટ માલની જરૂર હોવાનું જણાવ્યું હતું.

2 ગઠિયાઓ 21મીએ સાંજે રૂપકભાઈની ઓફિસે પરત આવ્યા હતા. રૂપકભાઈએ તેમને 3 પેકેટમાં રૂ.24,68,815ની કિંમતના અલગ અલગ ક્વોલિટીના 115.810 કેરેટ હીરા જોવા માટે આપ્યા હતા. આ હીરા જોઈને ભરત પટેલે ત્રણે પેકેટ પ્લાસ્ટીકની થેલીમાં મુકી ટેપ મારીને સિલ કરી પાકીટમાં મુકી દીધા હતા.

બીજા દિવસે પેમેન્ટની વાત કરતા રૂપકભાઈએ તરત જ હીરાનો માલ પરત માંગ્યો હતો.જેથી તેમણે પાકીટમાંથી પેકેટ પાછા આપ્યા હતા અને બીજા દિવસે પેમેન્ટની વાત કરી માલ કુરિયરમાં મોકલી આપવાનું કહી ચાલ્યા ગયા હતા. 24મીએ રૂપકભાઈએ હીરાનું પેકેટ ખોલી ચેક કરતા ત્રણે પેકેટમાં નકલી હીરા અને કાચના ટુકડાઓ નીકળતા રૂપકભાઈ ચોંકી ઉઠ્યા હતા. તેમની સાથે છેતરપીંડી થઈ હોવાનું જણાતા તેમણે ખટોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

CCTVના આધારે 3 સામે ગુનો નોંધાયો

ગઠીયાઓ હીરાના પેકેટ બદલી છેતરી ગયા હોવાની જાણ થતા રૂપકભાઈએ ખટોદરા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે સીસી ટીવી ફુટેજ ચેક કરી બન્ને ગઠીયાઓ જે બાઈક પર આવ્યા હતા. તેનો નંબર તેમજ મોબાઈલ નંબરના આધારે તપાસ કરતા ભરત કરશન કોંધોલ (રહે. પાલનપુર) તેની સાથે આવેલો જિમીત અજય શાહ (રહે. જનતાનગર રોડ, ભાઈન્દર) અને આ બંનેને બાઈક પર લઈ આવેલો ઉદય હરિશચંદ્ર ચોક્સી (રહે. વિજ્ઞેશ્વર એસ્ટેટ, મહાવીર હોસ્પિટલની બાજુમાં નાનપુરા) પોલીસે ત્રણેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.