20,000 ની લાલચમાં 1.50 કરોડનું દાણચોરીનું સોનુ લાવનાર પ્રવાસી ઝડપાયો

DIAMOND TIMES : મસ્કતથી આવેલી ફ્લાઈટમાં મુંબઈ એરપોર્ટ પર ઉતરેલા એક વ્યક્તિને DRIના અધિકારીઓએ દોઢ કરોડ રૂપિયાના ગોલ્ડ સાથે ઝડપી લીધો છે. મૂળ એમપીના આ વ્યક્તિની ઓળખ પુનિત ભવરાની તરીકે કરવામાં આવી છે, જે ઈન્દૌરનો વતની છે. નવાઈની વાત એ છે કે, પુનિતને પોતે પકડાઈ જશે તેવી શંકા જતાં તે ટોઈલેટમાં ઘૂસી ગયો હતો, જ્યાં તેણે દોઢ કરોડનું સોનું કચરાપેટીમાં નાખી દીધું હતું, પરંતુ તે બહાર આવ્યો તે સાથે જ ઝડપાઈ ગયો હતો.

મસ્કતથી વાયા દુબઈ આવનારી ફ્લાઈટના એક પેસેન્જર પાસે અઢી કિલો જેટલું ગોલ્ડ છે તેની બાતમી અગાઉથી જ ડીઆરઆઈના અધિકારીઓને મળી ગઈ હતી. વોચ રાખીને ઉભેલા અધિકારીઓને ફ્લાઈટમાંથી ઉતરેલા પુનિતની હિલચાલ શંકાસ્પદ લાગી હતી. તે ગ્રીન ચેનલમાં આવે તે પહેલા જ ગેટ નંબર 66ના વિકલાંગ લોકો માટેના ટોઈલેટમાં ઘૂસી ગયો હતો. જોકે, તેને ખબર નહોતી કે તેના પર પહેલાથી જ નજર રાખવામાં આવી રહી છે. તેમાંય તે ટોઈલેટમાં જે રીતે ઘૂસ્યો તેને જોતા તેના પરનો શક વધુ મજબૂત થયો હતો. પુનિત ટોઈલેટમાંથી બહાર આવ્યો

તે સાથે જ અધિકારીઓ ટોઈલેટમાં ગયા હતા અને તેમણે કચરાપેટીમાંથી કપડાંનો બનેલો એક પટ્ટો બહાર કાઢ્યો હતો, જેમાં બે પાઉચ પણ હતા. પુનિત સિક્યોરિટી ચેક માટે આવ્યો ત્યારે તેને રોકીને ટોઈલેટમાંથી મળેલો બેલ્ટ તેનો જ છે કે કેમ તેની પૂછપરછ કરી હતી. શરુઆતમાં આનાકાની કર્યા બાદ તેણે બેલ્ટ પોતાનો જ હોવાની કબૂલાત કરી હતી. સાથે જ તેણે એમ પણ કહ્યું હતું કે બેલ્ટમાં છૂપાવાયેલી ગોલ્ડ પેસ્ટ પણ તે જ મસ્કતથી લાવ્યો હતો. ટોઈલેટમાંથી મળેલી ગોલ્ડ ડસ્ટની તપાસ કરતા તે 24 કેરેટ ગોલ્ડની હોવાનું બહાર આવ્યું હતું,

તેનું વજન 2,669 ગ્રામ થયું હતું અને આ ગોલ્ડની માર્કેટ વેલ્યૂ 1.50 કરોડ રુપિયા જેટલી થાય છે. પૂછપરછ દરમિયાન પુનિતે એવો ખુલાસો પણ કર્યો હતો કે તેને દુબઈથી આ ગોલ્ડ ડસ્ટ લાવવાના 20,000 રૂપિયા મળવાના હતા. બીજી તરફ, ડીઆરઆઈના અધિકારીઓનું માનવું છે કે પુનિત કોઈ સિન્ડિકેટ માટે કામ કરતો હોય તેવી શંકા છે. કોઈના કહેવા પર જ તેણે ટોઈલેટમાં અઢી કિલો સોનું નાખી દીધું હતું, જેને કોઈ અંદરનો વ્યક્તિ બહાર લાવવાનો હતો. 28 ઓગસ્ટે મુંબઈ એરપોર્ટ પર આવા જ એક કેસમાં સુદાનનો એક નાગરિક 2 કિલો સોના સાથે ઝડપાયો હતો.