વરાછાના હીરા પન્ના કોમ્પ્લેક્ષના અસીત જેમ્સમાથી કારીગર 15.06 લાખના હીરા ચોરી ફરાર

795

DIAMOND TIMES : સુરતના વરાછા રોડ પર આવેલા હીરાના કારખાનામાં ત્રણ મહિના અગાઉ સરીન મશીન પર કામ કરવા નોકરીએ જોડાયેલો કારીગર કારખાનેદાર હોસ્પિટલના કામમાં વ્યસ્ત હતા ત્યારે રૂ.15.06 લાખના હીરા ચોરી ફરાર થતા કારખાનાના માલિકની ફરીયાદ પછી વરાછા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના શિહોરના આંબલા ગામના વતની અને સુરતમાં મોટા વરાછા રીવર રત્ન હાઈટ્સમાં રહેતા 51 વર્ષીય નરસિંહભાઇ ધરમશીભાઇ જાસોલીયા વરાછા સવાણી રોડ હીરા પન્ના કોમ્પ્લેક્ષ બીજા માળે 212 નંબરમાં ભાગીદારીમાં અસીત જેમ્સના નામે હીરાનું કારખાનું ધરાવે છે. તેમને ત્યાં કામ કરતા નવ કારીગરો પૈકી સરીન મશીન પર કામ કરતો રાજુ લક્ષ્મણભાઇ ભિલાવાડા (ઉ.વ.23, રહે.ઘર નં.165, રણજીતનગર  મારૂતીચોક પાસે, વરાછા, સુરત ) ત્રણ મહિના અગાઉ જ નોકરીએ જોડાયો હતો.કારખાનાની ચાવી કારીગર રાજુ પાસે રહેતી હતી.

દરમિયાન, ગત 16 એપ્રિલના રોજ નરસિંહભાઈએ રૂ.15.06 લાખના રફ હીરા ઓફિસમાં ટેબલના ખાનામાં મુક્યા હતા.જો કે પાંચ દિવસ નરસિંહભાઈ હોસ્પિટલના કામમાં વ્યસ્ત રહ્યા હતા.ગત પાંચમીના રોજ તેમણે ટેબલનું ખાનું ખોલ્યું તો તેમાં હીરા નહોતા.આથી તેમણે કારખાનાના સીસીટીવી કેમેરા ચેક કર્યા તો ગત 18 એપ્રિલની રાત્રે 9.15 થી 9.45 દરમિયાન કારીગર રાજુ ખાતાની ચાવીથી કારખાનું ખોલી ઓફિસના ટેબલમાંથી હીરા ચોરી જતો નજરે ચઢ્યો હતો.આ અંગે નરસિંહભાઈએ ગતરોજ કારીગર રાજુ વિરુદ્ધ વરાછા પોલીસ મથકમાં નોકર ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.