કોરોના ગોન , તેજી ઓન : ક્રિસિલના અહેવાલ મુજબ જ્વેલર્સની કમાણીમાં 14 ટકાનો વધારો

706

કોરોના મહામારી વચ્ચે બે વર્ષ બાદ ઝવેરી બજારમાં કરંટ, લગ્ન અને તહેવારની સીઝન પહેલાં ખરીદી નિકળતાં ઝવેરીઓ જોશમાં

DIAMOND TIMES -કોરોના મહામારી બે વર્ષ સુધી ઝવેરાત બજાર દબાણમાં રહ્યા બાદ આખરે ઝવેરાતની માંગમાં તેજી આવતા જથ્થાબંધ ઘરેણાનું વેચાણ કરતાં જ્વેલર્સની કમાણીમાં 12 થી 14 ટકાનો વધારો નોંધાયો છે . રેટિંગ એજન્સી ક્રિસિલના રિપોર્ટ અનુસાર સોનાની કિંમતો સ્થિર રહેવા અને લગ્ન તેમજ તહેવારની સીઝનમાં ખરીદી વધવાને કારણે સોનીબજારમાં તેજી જોવા મળી રહી છે.

ક્રિસીલના જણાવ્યા પ્રમાણે જ્વેલર્સનું માર્જિન પણ 1.20 ટકા વધીને કોવિડ પહેલાંના સ્તરે પહોંચી ગયું છે.સોનાની કિંમતોમાં ઘટાડાથી માર્જિન 6.5% થી 7% સુધી થઈ ગયું છે.દેશના 86 જ્વેલર્સ પર કરવામાં આવેલા સર્વેમાં ક્રિસિલે કહ્યું કે પાછલા બે નાણાકીય વર્ષમાં કડાકા બાદ આ વર્ષે આવકમાં નોંધપાત્ર તેજી જોવા મળી રહી છે.2019-20માં જથ્થાબંધ ઘરેણાનું વેચાણ કરતાં જ્વેલર્સની કમાણીમાં 3% અને 2020-21માં 8% નો કડાકો નોંધાયો હતો.

ક્રિસિલના વરિષ્ઠ ડાયરેક્ટર અનુજ સેઠીએ જણાવ્યું કે સરકારનો જૂલાઈ-2019માં આયાતદર 2.5%થી વધીને 12.5% કરવાની માંગથી ઘટાડો નોંધાયો હતો. ત્યારબાદ માર્ચ-2020માં કોરોના મહામારી આવી ગઈ હતી જેના કારણે સપ્લાય ઉપર માઠી અસર થઈ હતી.ક્રિસીલે વધુમાં જણાવ્યું કે આવનારા ત્રણ મહિના તહેવારો અને લગ્નની સીઝનથી ભરપૂર હોવાને કારણે ઘરેણાની માંગમાં વધારો થશે.આ દરમિયાન આખા વર્ષનું કુલ વેચાણ અંદાજે 55 થી 60% હોય છે.

આર્થિક ગતિવિધિઓમાં સુધારા પછી લોકોની આવકમાં થયેલા વધારાનો લાભ ઘરેણા ઉદ્યોગને મળશે.સરકારે મહામારી બાદ સોનાના આયાતદરમાં 2.13% કાપ મુકીને 10.75% કર્યો છે જેના કારણે સ્થાનિક બજારમાં ભાવ ઘટી રહ્યા છે.સોનાનો વેપાર કરતાં વેપારીઓએ પાછલા વર્ષે ઘરેણા ઉપર 8% સુધી માર્જિન કમાયું હતું.જેના કારણે સોનાની કિંમતોમાં વધારો થયો હતો.આ દરમિયાન જ્વેલર્સે પહેલાંથી બનેલા ઘરેણા ઉપર પણ સારી એવી કમાણી કરી હતી.